જામનગર​​​​​​​: ચોમાસુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખેડૂતોએ રાખવાની થતી કાળજી

  • May 13, 2026 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: ચોમાસુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખેડૂતોએ રાખવાની થતી કાળજી


આગામી ચોમાસુ સીઝનના પ્રારંભ પૂર્વે રાજ્યના ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવામાં આવતી હોય છે. ​​​​​​​


આ ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે હેતુથી નાયબ ખેતી નિયામક જામનગર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સાવચેતી રાખવા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 

બિનઅધિકૃત વ્યક્તિઓ કે ફેરિયાઓ પાસેથી ખરીદી ન કરવા તથા ખરીદીનું પાકું બિલ લેવા જામનગર નાયબ ખેતી નિયામકનું માર્ગદર્શન


જે મુજબ, ખેડૂતોએ બિયારણ, ખાતર અને દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ ન ધરાવતી વ્યક્તિઓ, શંકાસ્પદ પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ખેતીના ઇનપુટ્સની ખરીદી ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.

ખેતી લક્ષી સાધન-સામગ્રીની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પેઢીનું નામ, સરનામું, ઇનપુટનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો દર્શાવતું સહી વાળું પાકું બિલ અવશ્ય મેળવી લેવું. આ ઉપરાંત, ખેડૂતોએ ખાસ ચકાસણી કરવી કે ખરીદેલ બિયારણ કે દવાઓની મુદત પૂરી થયેલ ન હોય. પાક અને જમીનની સ્થિતિ મુજબ હંમેશા વૈજ્ઞાનિક ભલામણ કરેલ જથ્થામાં જ આ સામગ્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. 


જો કોઈ વિસ્તારમાં બિનઅધિકૃત કે ભળતા નામે અમાન્ય બિયારણ-ખાતરનું વેચાણ થતું હોવાનું માલૂમ પડે, તો તે અંગે તાત્કાલિક સંબંધિત તાલુકા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગરની કચેરીને જાણ કરવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application