જામનગર: નાગેશ્ર્વર કોલોનીમાં પાડોશી વચ્ચે બબાલ :સામ સામી ફરીયાદ
ઘર પાસે બાઇક રાખવાના પ્રશ્ર્ને માથાકુટ થઇ: ધમકી દીધી
જામનગરના નાગેશ્ર્વર કોલોનીમાં બાઇક રાખવાના પ્રશ્ર્ને પાડોશીઓ વચ્ચે બબાલ થઇ હતી જેમા એક બીજાને માર મારીને ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા રામીબેન ભાણાભાઇ મેર (ઉ.વ.૬૦) નામની મહિલાએ સીટી-બી ડીવીઝનમાં નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા હરીશ બારૈયાની વિુરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૩ના બપોરના સુમારે ફરીયાદી અને તેના પતિ ઘરે હતા ત્યારે આરોપીએ ઘર પાસે આવીને ફરીયાદી તથા સાહેદને જેમતેમ અપશબ્દો બોલ્યા હતા આથી તેને રોકવા જતા આરોપીએ સાહેદની સ્કુટી નં. જીજે૧૦સીકે-૦૯૦૪ની આગળની લાઇટમાં પાઇપ ફટકારી તોડી નાખીને ૧૫૦૦નું નુકશાન પહોચાડયુ હતું તેમજ સાહેદને પાઇપ વડે હાથમાં મુંઢ ઇજા પહોચાડી કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
સામા પક્ષે નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા હરીશ ભાણજીભાઇ બારૈયા (ઉ.વ.૪૫)એ વળતી ફરીયાદ નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા ભાણા કડવા મેર તથા રામી ભાણા મેરની વિરુઘ્ધ નોંધાવી હતી જે મુજબ ગત તા. ૩ના રોજ ફરીયાદી તેમના ઘરે હોય ત્યારે આરોપીની મોટરસાયકલ ત્યાં રાખેલ હોય આથી બાઇક લઇ લ્યો તેમ કહેતા આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો કહયા હતા અને લાકડી વડે કપાળના ભાગે માર મારી ધમકી આપી હતી બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.