જામનગરમાં શ્ર્વાન પર ક્રૂરતા આચરનાર આરોપીની અટકાયત
જીવદયાપ્રેમીઓની ફરીયાદ બાદ પોલીસની કાર્યવાહી
જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સીટી-બી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં મુખ્ય આરોપી તરીકે શરૂ સેક્સન રોડ ધરાર નગર-૧ વિસ્તારના રહેવાસી ઇરફાન વાંઢા સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક શ્ર્વાનને બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે ફેંકવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે પશુપ્રેમીઓ અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે.