જામનગર: અગાઉ ધ્રોલમાં અભ્યાસ કરતી યુવતિને ગોંધી રાખી દુષ્કર્મ : ૨૦ લાખની ખંડણી માંગી
કોટડાના રાજપરા ગામેથી શરૂ થયેલી યુવકની ખરાબ નજર દુષ્કર્મના પ્રકરણ સુધી પહોંચી : ભોગ બનનારે પખવાડીયા પુર્વે તક મળતા પરિવારને જાણ કરી : પાંચ દિવસ પુર્વે આરોપીઓના ચુંગાલમાંથી છુટકારો થયો : ચાર સામે પોલીસ ફરીયાદ
અગાઉ જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે અભ્યાસ કરતી અને રાપર તાલુકાના ભીમાસર ગામે રહેતી યુવતીને સામખીયાણી બસ સ્ટેશન પાસેથી કારમાં ઉપાડી જઇ, રૂમમાં બંધ રાખી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું, આટલું જ નહીં ભાજપના સ્થાનીય નેતાએ યુવતીના માટે બંદુક જેવું ઘાતક હથિયાર મુકી તેના પિતા પાસે રૂ. ૨૦ લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઇ છે. આજી ડેમ પોલીસે જિલ્લા પંચાયત સદસ્યાના પતિ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોગ બનનાર યુવતિ ત્રણ વર્ષ પહેલા કોટડા તાલુકાના રાજપરા ગામની હાઇસ્કુલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે જે ભણતા રામ મુકેશ છૈયા નામના શખ્સની નજર બગડી હતી અને તે યુવતી સાથે સંપર્ક વધારવા દબાણ કરતો હતો, ધોરણ-૧૨ પછી યુવતી ધ્રોલ ખાતે નર્સિંગનો બે વર્ષનો અભ્યાસ પુરો કરી વતન પરત ફરી હતી. થોડા સમય બાદ તે કોલેજે રિઝલ્ટ લેવા ગઇ ત્યારે રામ છૈયાએ તેને કોલેજ બહારથી બળજબરીપુર્વક ગાડીમાં બેસાડી દીધી હતી અને કોરા કાગળો પર સહીઓ ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ ગત ૨૩ માર્ચના રોજ યુવતિ સામખીયાળી રહેતા તેના બીમાર ફઇના ઘરે જવા નીકળી હતી ત્યારે સામખીયાણી બસ સ્ટેશન નજીકથી આરોપી રામ અને તેના સાગરીતો અલ્ટો કાર લઇને ઘસી આવ્યા હતા અને યુવતીનો મોબાઇલ સ્વિચ ઓફ કરાવી તેનુ અપહરણ કરી સરધાર લઇ આવ્યા હતા અહી તેને એક રૂમમાં પુરી દઇ રામે યુવતીની મરજી વિરુઘ્ધ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું, આરોપી તેનો ભાઇ શ્યામ અને પિતા મુકેશ રાયધણ છૈયા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા, જયારે યુવતીએ મુકત કરવા આજીજી કરી ત્યારે તેમના સબંધી અને ભાજપ અગ્રણી રાજાભાઇ ઉર્ફે રાજેશ મેણંદ ચાવડાએ યુવતીના માથા પર બંદુક તાણી દીધી હતી અને ધમકી આપી હતી કે તારા પિતાજી અમોને રૂ. ૨૦ લાખ આપશે તો તને છોડીશુ નહીતર તને છોડીશું નહી.!
નરાધમોના ચુંગાલમાં ફસાયેલી યુવતીને ૧૫ દિવસ પહેલા તક મળતા જ તેણે આરોપી રામનો મોબાઇલ મેળવી લીધો હતો અને સ્નેપ ચેટ એપ્લીકેશન દ્વારા પોતાના ભાઇનો નંબર શોધીને ફોન કર્યો હતો. યુવતીએ રડતા રડતા પોતાની આપવીતી અને બંધક હોવાની જાણ કરી હતી જેના પગલે ૩૦ મેના રોજ યુવતીના પિતા, ભાઇ અને મામા સહિતનો પરિવાર નવાગામ દોડી આવ્યો હતો, આરોપીના પરિવારે યુવતીને સોપવાની ના પાડતા, ભાઇએ બહેનને બચાવવા ફિલ્મી સ્ટાઇલે રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો અને બહેનનો હાથ પકડી ગાડીમાં બેસાડી હેમખેમ છોડાવી લાવ્યા હતા, જે તે સમયે યુવતી ગભરાઇ ગઇ હોવાથી મોડી ફરીયાદ નોંધાવી છે.