મારા માટે માવો લેતો આવ, યુવકે લેવા જવાની ના પાડતા લાફા માર્યા

  • April 07, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી પંથકમાં માવા બાબતે માથાકૂટ થયાના અનેક વાર બનાવો બન્યા છે. ત્યારે વધુ એક વખત લાઠીના રાભડામાં માવો લેવા જવાની ના પાડતા યુવકને લાફા વાળી કરી બાદમાં ઘરે આવી લાકડી વડે કરતા પિતા-પુત્રને ઇજા થવાથી સારવાર લીધી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.


માવાના વાંકે મારમાર્યાના બનાવની વિગત જોઈએ તો લાઠીના રાભડા ગામે રહેતા અમરશી દેવજીભાઈ પરમાર (ઉ.વ.30)નો યુવક ગામના પાદર પાસે બેઠો હતો ત્યારે ગામના મુકેશ સામત પરમારએ આવી અમરશીને માવો લેવા જવાનું કહેતા અમરશીએ માવો લેવા જવાની ના પાડી દેતા મુકેશનો મગજ ગયો હતો અને ત્રણ ચાર લાફા ઝીકી દેતા બંને વચ્ચે ઝગડો થયો હતો. યુવક દોડીને ઘરે જતો રહેતા મુકેશ અને તેના પિતા સામત ઉકાભાઇ પરમાર બંને લાકડી લઇ પાછળ દોડી ઘરે આવતા યુવકના પરિવારજનો બેઠા હતા ત્યાં આવી ક્યાં છે અમરશી ? કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. યુવકના પિતાએ અમરશી ઘરમાં છે તમારે શું કામ છે ? કહેતા મુકેશએ લાકડી વડે યુવકના ભાઈ દિપક અને તેના પિતા દેવજીભાઈ ઉપર હુમલો કરતા દીપકને માથાના ભાગે ઇજા થતા લોહી નીકળતા સારવાર માટે દામનગર ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે દીપકભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.32)નો ફરિયાદના આધારે પોલીસે મુકેશ સામતભાઇ પરમાર અને તેના પિતા સામતભાઇ ઉકાભાઇ પરમાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


રજનીગંધા આપવાનું કહી દુકાનદારને ગાળો કાઢી, દુકાન સળગાવી દેવાની ધમકી

સાવરકુંડલાના ગાધકડા ગામે રહેતા અને કેજીએન નામની પાનની દુકાન ધરાવતા ઉસ્માનભાઈ દાદુભાઇ જુણેજા (ઉ.વ.36) નામના યુવક અને પત્ની પોતાની દુકાને હતા ત્યારે લુવારાવારા હનુભાઈ બોરીચાનો ભાણિયો ઉદય અને તેની સાથે તેનો મિત્ર બાઇકમાં આવ્યા હતા અને રજનીગંધા આપવાનું કહેતા ઉસ્માનભાઈએ સાત રજનીગંધા આપતા બંને શખ્સોએ માંડ માંડ રજનીગંધા મળી કહી ગાળ બોલતા દુકાનદારએ ગાળ બોલવાની ના પાડતા બીજી વાર ગાળ બોલ્યા હતા આથી દુકાનદારએ કહ્યું હતું કે, ગાળ બોલશો તો મારે રજનીગંધા નથી આપવી, આથી બંને વધુ ઉશ્કેરાયા હતા અને ગાળો તો અહીં જ બોલાશે , તારાથી થાય ઈ કરી લેજે, અને બીજી વાર જો મને કીધું તો જાનથી મારી નાખીસ અને દુકાનદારની પત્નીને ચારિત્ર્ય બાબતે અને દુકાન સળગાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા. દુકાનદારની ફરિયાદના આધારે સાવરકુંડલા રૂરલ પોલીસે ઉદય અને તેના મિત્ર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application