યે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો

  • February 13, 2025 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યે આકાશવાણી હે.....આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો, તે હોવું સ્ટેટ્સ ગણાતું. રેડિયો ઉપર આવતા વિવિધ કાર્યક્રમો સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ખૂબ જ મનોરંજન આપતા હતા. નાટકો, સમાચાર, લોકગીતો, ભજનો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર સાથે ક્રિકેટ મેચની કોમેન્ટરી સાંભળવાની લોકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો ભરી દેતા હતા.

એ​​​​​​​ જમાના​​​​​​​માં રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જુના ગીતોથી થવા લાગી હતી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોનના માધ્યમથી દેશની જનતાના માનસપટ પર રાજ કરેલ હતું. રેડિયોમાં સિલોન સ્ટેશન પકડવુંએ પણ એક આવડત ગણાતી હતી. 'બિનાકા ગીતમાલા'થી અમિન સાયાની તેના બ્રાંડ બની ગયા હતા. તેમનો અવાજ જ ઓળખ બની ગઇ હતી. તેને ટક્કર આપવામાં જ ભારતમાં વિવિધ ભારતીની શરૂઆત થઇ હતી. 


1939માં વડોદરાના રાજવી ગાયકવાડે પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કરેલ જે બાદમાં સરકારને સોંપી દીધેલ હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે કોઇ મનોરંજનનું સાધન ન હતું. તે સમયમાં 1955માં દુલાભાયા કાગ, જયમલ્લ પરમાર, તત્કાલિન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. 


લોકો મન ભરીને રેડિયો સાંભળતા હતા. 1940થી 1970 સુધી રેડિયોના મહત્વ સાથેનો સુવર્ણ યુગ હતું. સ્ટેશન શરૂ થવાનું સંગીત આજે પણ આપણને યાદ આવે છે. જુના ગીતો એટલા બધા રેડિયોમાં સાંભળ્યા છે કે આજે પણ યાદ રહી ગયા છે. 

​​​​​​​


જમી પરવારીને રાત્રે બધા ગીતો સાંભળતા હોય. છાયા ગીત, ફૌજીભાઇઓ કે કાર્યક્રમ, હવા મહલ, ધીમી ગતિના સમાચાર જેવા વિવિધ કાર્યક્રમોનો સમય થાય એ પહેલા બધા સાંભળવા બેસી જતા હતા. આકાશવાણી દ્વારા દેશના 92 ટકા ભૌગોલિક એરીયાને આવરી લેવાયો છે અને દેશની 99 ટકા કરતા વધુ જન સંખ્યા તેનો લાભ લે છે. હાલમાં દેશમાં 400 જેટલા રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેમાં દેશની 23 જેટલી ભાષા અને 179 જેટલી લોક બોલીના વિવિધ કાર્યક્રમનું પ્રસારણ કરાય છે. 


રેડિયો ઉપર ફરમાઇશ મોકલવાનો પણ એક શોખ હતો. દેશનાં બે ગામ ઝુમરી તલૈયા અને રાજનંદ ગામના લોકો હાથમાં રેડિયો લઇને ફરતા જોવા મળે છે, ગમે તે કાર્યક્રમ હોય એમાં આ બે ગામના શ્રોતાની ફરમાઇશ અચુક હોય. આ રેડિયોના રોચક અને રોમાંચકારી કિસ્સા સાંભળવા હોય તો વડિલ પાસે જવું જ પડે. 


રેડિયો પ્રારંભે ધનીકોનું પ્રતિક ગણાતું હતું. રેડિયો સાંભળવા લોકોની ભીડ થતી હતી. પાનની દુકાન, હોટલ કે ચોકમાં લોકોની ગીતો સાંભળવા ભીડ જોવા મળતી. રેડિયોમાં ક્રિકેટ કોમેન્ટરી સાંભળીને કાળા પાટીયામાં સ્કોરબોર્ડ લખતાં, ત્યાં લોકો સ્કોર જોવા આવતાં. ભારતમાં રેડિયોનો વર્ષો જૂનો ટ્રેન્ડ, આપણાં વડાપ્રધાને પણ 'મન કી બાત' થકી આ પ્રણાલીને જીવંત રાખી છે. રેડિયોના જૂના જમાનામાં તેના અબજોમાં ફેન્સ હતા. ભૂકંપ, પુર કે હોનારત સાથે બીજી જરૂરી માહિતીની સુચના રેડિયો દ્વારા જ મળતી હતી. 


આજની યુવા પેઢીને વાલવાળા રેડિયો મોડલ જોયા જ નથી. એક જમાનામાં તેના પણ લાયસન્સ હતા. આજે પણ ઘણા લોકો એવા છે, જે તેના ચોક્કસ મોડેલના જ ગમતાં રેડિયોમાં નિયમિત ગીતો સાંભળે છે. ટેલિવિઝન અને મોબાઇલ યુગ આવતાં હવે રેડિયોનો પહેલા જેવો ઉપયોગ નથી, પણ ઇન્ફરર્મેશન ટેકનોલોજીના કારણે આજે પણ આપણે કાર કે મોબાઇલમાં એફએમ રેડિયો તો સાંભળતા હોય છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application