જામનગર પંથકમાં બે જુદા જુદા વાહન અકસ્માતમાં બે નિવૃત કર્મચારીના સારવારમાં મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, જેમાં જામનગરના જડેશ્ર્વર પાર્ક નજીક પાંચેક દિવસ પહેલાં રસ્તો ઓળંગી રહેલા નિવૃત એસ.ટી.ના કર્મચારી ને બાઈક ચાલકે ઠોકર મારતા ગંભીર ઇજા થવાથી તેઓનું સારવારમાં મૃત્યુ નીપજયું છે. જયારે રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રી ધ્રોલ નજીક આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરીને પોતાના સ્કૂટરમાં પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન વાંકીયા પાસે એક કાર ચાલકે હડફેટમાં લઈ ગંભીર ઇજા કરતા તેમનું મૃત્યુ થયુ હતું.
જામનગરના નંદનવન પાર્ક માં રહેતા નિવૃત્ત એસ ટી કર્મચારી રસિકભાઈ ખાખરીયા ગત તા. ૩૦ના સાંજે જડેશ્વર પાર્ક નજીક દિવ્યમ કોમ્પ્લેક્ષ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં રસિકભાઈને ગંભીર પહોંચવાથી સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રસિકભાઈ ખાખરીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશ ખાખરીયાએ અજાણ્યા બાઈક ચાલક સામે સીટી-એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં રાજકોટમાં ગ્રીનસીટી પાછળ જે.કે. પાર્કમાં રહેતા નિવૃત્ત તલાટી કમ મંત્રી પ્રવીણભાઈ વિઠ્ઠલપરા (ઉંમર વર્ષ ૬૪) તા. ૨૩ સપ્ટેમ્બરના દિવસે ધ્રોલ પંથકમાં આવ્યા હતા, અને ત્યાંથી તેઓ વાંકિયા ગામ પાસે આવેલા જલારામ બાપાના મંદિરે પોતાનું એકટીવા નં. જીજે૩એમએ-૧૯૧૪ લઈને દર્શનાર્થે ગયા હતા. જે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન રાજકોટ- હાઇવે રોડ પર વાંકીયા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે. ૨૫ જે ૨૭૪૭ નંબરની કારના ચાલકે સ્કૂટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પ્રવીણચંદ્ર વિઠ્ઠલપરાને ગંભીર ઇજાઓ થઈ હતી, અને તેઓને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાન સારવારમાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષાર પ્રવિણચંદ્ર વિઠ્ઠલપરાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application