રુા.૩૫ કરોડના ખર્ચે રણમલ તળાવ-૨નો પર્યાવરણ થીમ પર થશે વિકાસ

  • February 03, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશી પક્ષીઓ માટે સ્પેશ્યલ બર્ડ આયલેન્ડ બનાવાશે: અનેક વૃક્ષો વાવવામાં આવશે: સાયકલ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઝોય રાઇડસ, ગજેબો મેડીટેશન હટ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લાઇટીંગ, વોકીંગ ટ્રેક, પાંચ એન્ટ્રી ગેઇટ સહિતની અનેક સુવિધાઓ રણમલ તળાવ-૨માં વિકસાવાશે: એકાદ મહીનામાં ટેન્ડર બહાર પડશે અને દોઢ વર્ષમાં કામ પુરુ થવાની ધારણા

જામનગર શહેરની મઘ્યમાં આવેલ નયનરમ્ય રણમલ તળાવને રુા.૪૫ કરોડના ખર્ચે વિકસાવાયા બાદ હવે આગામી દિવસોમાં રણલમ તળાવ ભાગ-૨ પણ રુા.૩૫ કરોડના ખર્ચે વિકસાવવાની કોર્પોરેશને જાહેરાત કરી દીધી છે, ભાગ-૧માં હેરીટેજ થીમ ઉપર રણમલ તળાવનું માળખુ વિકસાવાયું હતું અને હવે પર્યાવરણની થીમ ઉપર રણમલ તળાવ-૨ ભાગનું નવીનીકરણ કરવામાં આવશે જેમાં અનેકવિધ સુવિધાઓ હશે, એકાદ મહીનામાં ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરુ થઇ જશે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું અને લગભગ કામ શરુ થયા બાદ દોઢ વર્ષમાં ભાગ-૨નું તમામ કામ પુરુ થઇ જશે.
ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીના નેજા હેઠળ આ અંગેની ડીઝાઇન પણ એપ્રુવ માટે આપી દેવામાં આવી છે અને જો આ ડીઝાઇન પાસ થઇ જશે તો એકાદ મહીનામાં આ કામ શરુ કરી દેવાની વાત બહાર આવી છે. શહેરના આ તળાવ ભાગ-૨ને વિકસાવવા માટે પદાધિકારીઓ પણ ઉત્સુક છે, અગાઉ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, હાલના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા સહિતના પદાધિકારીઓએ ભાગ-૨ને વિકસવવા માટે રાજય સરકારમાં પણ રજૂઆત કરી હતી અને સરકારની પણ હવે મંજુરી મળી ગઇ છે ત્યારે અનેકવિધ સુવિધાવાળુ આ તળાવ બનશે.
રણમલ તળાવ ભાગ-૨માં અદ્યતન લાઇટીંગ સિસ્ટમ, સીસી ટીવી કેમેરા, કમ્પાઉન્ડ વોલ, ગ્રીન સ્પેસ, સાયકલ ટ્રેક, આકર્ષક બેન્ચ, વોકીંગ ટ્રેક, વિદેશી પક્ષીઓ માટે સ્પેશ્યલ આઇલેન્ડ, અનેક વૃક્ષોનું વાવેતર, ગજેબોસ મેડીટેશન હટ, લેન્ડ સ્કેપીંગ, થાઇલેન્ડ, અદ્યતન મ્યુઝીકલ સિસ્ટમ, સાયકલ ટ્રેક, બર્ડ ઇન્ટરપીટીસાયન, પાંચ એન્ટ્રી ગેઇટ સહિતની અનેક સુવિધાઓથી આ તળાવને વિકસાવવામાં આવશે.
૨૬.૬ હેકટરમાં ૧૩૩ કરોડ લીટર પાણીવાળા રણમલ તળાવ ભાગ-૨ને પર્યાવરણ થીમ ઉપર વિકસાવવામાં આવશે, ભૂતકાળમાં ભાગ-૧ને હેરીટેજ થીમ ઉપર વિકસાવવામાં આવ્યો હતો, જો કે હજુ ફાઇનલ નકશો પાસ થયા બાદ થોડા ઘણા ફેરફાર થશે પરંતુ ગેઇટને આકર્ષક બનાવવામાં આવશે, એટલું જ નહીં કોર્પોરેશન લોકોને ભાડેથી સાયકલ આપશે, કલાકનું ભાડુ કોર્પોરેશન લેશે એટલે સાયકલ ટ્રેક ઉપર લોકો ટ્રેક કરી શકશે, ખાસ કરીને ફુડ કીયોકસ પણ રાખવાનું વિચારવામાં આવ્યું છે, ઇર્ન્ફોમલ ડાઇનીંગ એરિયા અને આકર્ષક બેન્ચ બેસવા માટેની વ્યવસ્થા પણ આ પ્રોજેકટમાં કરવામાં આવી છે.
નવાનગરવાસીઓ સવાર-સાંજ વોકીંગ કરતા-કરતા કર્ણપ્રિય સંગીત સાંભળે તે માટે વ્યવસ્થા હશે, રણલમ તળાવ ગેઇટ નં.૨ પ્રદર્શન મેદાન અને સાતરસ્તાથી પણ તેમાં આવી શકાશે અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.  
***
જુની આરટીઓ ઓફીસથી પ્રદર્શન મેદાન-સાતરસ્તા સુધીનો ડીપી રસ્તો બનાવાશે
જામનગરમાં રણમલ તળાવ ભાગ-૨ બનાવવાનું આયોજન છે ત્યારે લોકોને સરળતા રહે અને પાર્કિંગ વ્યવસ્થા પણ જળવાય તે માટે જુની આરટીઓ ઓફીસથી પ્રદર્શન મેદાન-સાતરસ્તા સુધીનો રસ્તો ડીપી રોડમાં આવતો હોય આ રસ્તો બનાવવામાં આવશે અને અલગ-અલગ સ્થળોએ લોકો વાહન પાર્કિંગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
***
પર્યાવરણ થીમ ઉપર તળાવ વિકસાવાશે: અનેક વૃક્ષોનું વાવેતર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી છે ત્યારે જામનગર કોર્પોરેશન દ્વારા રણમલ તળાવ ભાગ-૧ને વિકસાવાયા બાદ આગામી દિવસોમાં ભાગ-૨ને પર્યાવરણ થીમ ઉપર વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તળાવની ફરતે અનેક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને લોકોને ગ્રીન બેલ્ટનો અનુભવ થાય તે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. હાલ તો આ અંગેની કાર્યવાહી ઝડપી બનાવવાનું આયોજન છે, ત્યારે જામનગરને વધુ એક સારુ સ્થળ મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application