જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે મેઘરાજાએ અંતિમ રાઉન્ડમાં પણ રંગ જમાવ્યો હતો, ખાસ કરીને દ્વારકા, ધ્રાફા અને ઘુનડા વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો જયારે જાલીયાદેવાણી, જામજોધપુરમાં દોઢ, ધ્રોલ, જોડીયા, મોટી ભલસાણ, અલીયાબાડા, નવાગામ, સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા અને પરડવામાં એક-એક ઇંચ વરસાદ પડયો છે, આ વરસાદને કારણે પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે ત્યારે જામનગરમાં ફરીથી અડધો ઇંચ વરસાદ થવાથી ગરબીના મંડપ અને મેદાનમાં પાણી ભરાઇ ગયા છે.
ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગરના અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે, જયારે કેટલાક ડેમના પાટિયા ખોલીને પાણી છોડવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના બાણુંગારમાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે જાલિયાદેવાણીમાં ૩૭ મી.મી. જામજોધપુરના ધૂનડામાં ૪૦ મી.મી. ધ્રાફામાં ૪૫ મી.મી. જ્યારે અન્ય તાલુકાઓમાં અડધાથી દોઢ ઇંચ જેવો છુટો છવાયો વરસાદ નોંધાયો છે. આજે પણ વાતાવરણ બનેલું છે અને વાદળના આટા ફેરા થઈ રહ્યા છે.
આ ઉપરાંત મોટી ભલસાણ, અલીયાબાડા, નવાગામ, મોટા પાંચદેવડા, સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા અને પરડવામાં એક-એક ઇંચ ઉપરાંત મોટા ખડબા, ફલ્લા, લાખાબાવળ અને વસઇમાં પોણો-પોણો ઇંચ વરસાદ પડયો હતો. તાલુકા મથકની વાત લઇએ તો જોડીયામાં ફરીથી એક ઇંચ, ધ્રોલમાં પણ એક ઇંચ, જામનગર શહેરમાં ભારે પવન સાથે અડધો ઇંચ, જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી વાતાવરણ બનેલું રહયા બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે ૧૦ મિનિટ બાદ રોકાઈ ગયો હતો. ત્યાર પછી સાંજના સમયે છુટા છવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતાં, પરંતુ રાત્રીના દાંડિયારાસ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે દશેરાના દિવસે પણ મેઘરાજાની એન્ટ્રી શરૂ થઈ હતી. રાત્રિના પોણા દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી છુટાછવાયા વરસાદી ઝાપટાં વીરત ચાલુ રહ્યા હતાં, જેના કારણે અનેક દાંડિયા મહોત્સવના આયોજનો રદ કરવા પડ્યા હતાં અથવા તો એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના સ્થળોએ દાંડિયા રાસના કાર્યક્રમ યોજીને સમગ્ર રાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી હતી.
દ્વારકા પંથકમાં પણ ભારે વરસાદ પડયો હતો, આજુબાજુના ગામડાઓમાં એક થી પોણા બે ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જેને વરસાદની શરૂઆત થાય તે પહેલા વાવણી કરી છે, તે પાકમાં થોડુ નુકશાન થયું છે અને જેમણે પાછોત વાવણી કરી છે તેમને આ વરસાદ ફાયદાકારક છે. કલ્યાણપુરમાં પોણો ઇંચ, ભાણવડમાં ૬ મીમી, ખંભાળીયામાં ૫ મીમી વરસાદ પડયો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૬ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
રંગમતી, કોટડા બાવીસી અને ઉમીયાસાગર ડેમ ફરીથી છલકાયા
જામનગર જિલ્લામાં ગઇકાલે ઉપરવાસ વરસાદને કારણે રંગમતી ડેમ છલકાઇ જતાં તેનો એક દરવાજો ૦.૨૫ ફુટ ખોલવામાં આવ્યો હતો, તંત્ર દ્વારા ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જુના નાગના અને નવાગામ ઘેડના લોકોને સલામત સ્થળે ઘસી જવા ચેતવણી આપવામાં આવી છે જયારે ફુલઝર, કોટડા બાવીસી ડેમ પણ છલકાઇ જતાં તેના બે દરવાજા ખોલાયા હતાં, કોટડાબાવીસી, ગીંગણી અને સીદસર ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ છે જયારે જામજોધપુર તાલુકામાં આવેલ ઉમીયાસાગર ડેમ છલકાઇ જતાં તેના ત્રણ દરવાજા દોઢ ફુટ ખોલવામાં આવ્યા હતાં જયારે સીદસર ગામના લોકોને પણ ફરીથી ચેતવણી આપવામાં આવી હતી.