જામનગરમાં GSTનું મેગા સર્ચ, ૧૦૦ કરોડનું કૌભાંડ?

  • October 04, 2025 04:06 PM 



જામનગરમાં જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગની જૂનાગઢ, રાજકોટ, અમદાવાદની ૨૫ ટીમે ૨૫ પેઢીમાં દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. સીએ,વકીલ અને બ્રાસ એકમોમાં મોડી રાત્રી સુધી તપાસના દૌર ચાલતા અને ૧૦૦ કરોડના જીએસટી કૌંભાડ આચરવામાં આવ્યાનું જીએસટીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. તપાસ દરમ્યાન બોગસ પેઢી, ખોટા બીલ બનાવી કરોડોની ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનું કારસ્તાન  અને મની લોન્ડરીંગ તથા હવાલા કૌંભાડ ખૂલવાની આશંકાથી શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે.


જામનગરમાં શુક્રવારે સાંજે જીએસટીના એનફોર્સમેન્ટ વિભાગની અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમો દ્વારા સીએ, વકીલ, બિલ્ડર્સ અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલી ૨૫ પેઢીઓ પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો.  આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી, આટલું જ નહીં આ ઓપરેશન કાર્યવાહી શનિવારે પણ યથાવત રહી છે. અમદાવાદની જીએસટી એન્ફોર્સમેન્ટની વિશેષ ટીમો પણ  કાર્યવાહીમાં જોડાઈ હતી અને તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.


આ સમગ્ર તપાસમાં જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસીએટસ નામની પેઢી ધરાવતા સીએ અલ્કેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાનું ખુલ્યું હતું, આટલું જ નહીં રૂ. ૧૦૦ કરોડનું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યાની આશંકા હોવાનું પણ જીએસટી વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.


જીએસટી વિભાગના મેગા ઓપરેશન દરમ્યાન અમદાવાદની જીએસટીની ટુકડીઓ પણ જામનગર પહોંચી હતી અને સીએ અલ્કેશ પેઢડીયાની બ્રહ્મ એસોસિએટેડ પેઢીમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી શુક્રવારે મોડી રાત સુધી ચાલી હતી, આટલું જ નહીં શનિવારે પણ તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો. જીએસટીના અધિકારઓએ તપાસ દરમ્યાન બોગસ પેઢી અને બીલો બનાવી ખોટી વેરા શાખ એટલે કે કરોડો ‚પિયાની ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવી હોવાનું પણ ખુલ્યું છે. તદ્દઉપરાંત કોઇ કોમોડીટીના ખોટા બીલ બનાવ્યા છે કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આટલું જ નહીં રૂ. ૧૦૦ કરોડનું કૌભાંડ એટલે કે શહેરના ઇતિહાસનું સૌથી મોટું જીએસટી કૌભાંડ ખુલવાની આશંકા પણ અંતરંગ સૂત્રોએ વ્યક્ત કરી છે.


 આટલું જ નહીં તપાસ દરમ્યાન મની લોનડરીંગ અને હવાલા કૌભાંડ ખુલવાની પણ શક્યતા નકારી શકાતી નથી. મસમોટા કૌભાંડના પગલે આ તપાસની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા જીએસટી વિભાગના સૂત્રોએ દર્શાવી છે. તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા. તદ્દઉપરાંત કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જીએસટીની ટીમો દ્વારા હાલમાં વિવિધ પેઢીઓના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા અને આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી સાહત્ય અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ દરોડાના પગલે જામનગરના વેપારી અને ઉદ્યોગકારોમાં ભારે ચકચાર મચી ગઈ છે.


અન્ય એકમો પર દરોડા, સીએ નાસી ગયો, પાર્ટનરના ફોન સ્વીચઓફ

જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની ટીમ દ્વારા મેગા સર્ચ અંતર્ગત શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસીએટસ નામની પેઢી ચલાવતા સીએ અલ્કેશ પેઢડીયાની ઓફિસે પ્રથમ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસનો દૌર શ‚ થાય તે પહેલા જ સીએ અલ્કેશ ઓફિસ બંધ કરી નાસી ગયો હતો, ત્યારબાદ જીએસટી વિભાગની ટીમ દ્વારા અલ્કેશના સંબંધિત એકમ એલ્યોન તથા એસ્પાયર ઇન કોર્પોરેશન પેઢીમાં તથા તેના ઘેર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ દરોડામાં જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા સૂત્રોએ દર્શાવી છે. આથી સીએ અલ્કેશના પાર્ટનરના ફોન પણ તપાસના પગલે સ્વીચઓફ થઇ ગયા છે.


જીએસટી વિભાગ દ્વારા વકીલ સહિત ચાર વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા
શહેરમાં જીએસટી વિભાગની એન્સફોર્સમેન્ટની ટીમ દ્વારા સીએ, વકીલ, બિલ્ડર અને બ્રાસ એકમ સહિત રપ પેઢીઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન રાત્રિના આ પ્રકરણમાં યેનકેન પ્રકારે સંડોવણીના પગલે વકીલ તેમજ સીએ સહિત ચાર વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જેમાં સીએના પત્નીનો પણ સમાવેશ થાય છે. જો કે નિવેદન બાદ તમામ વ્યક્તિને જવા દેવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં કૌભાંડનો આંકડો ક્યાં પહોંચે છે અને કોની કોની સંડોવણી ખુલ્લે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.



જીએસટી તપાસમાં મોટા માથાના નામ પણ ખુલવાની શક્યતા

જીએસટી વિભાગની એન્સફોર્સમેન્ટ વિભાગની ટીમ દ્વારા સીએ, વકીલ સહિત રપ પેઢીઓમાં દરોડા પાડતા ૧૦૦ કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ ચકચારી પ્રકરણમાં અમુક મોટા માથાના નામ ખુલવાની શક્યતા પણ નકારી શકાતી નથી, કારણ કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે, તે પેઢી દ્વારા અમુક મોટા માથાઓના એકાઉન્ટ તેમજ વેરાનું અન્ય કામકાજ કરવામાં આવી રહ્યાનું જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાય જશે કે પગલા લેવાશે તે જોવાનું રહ્યું. ​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application