કાલાવડ તાલુકા ના મોટા વડાળા ગામના ખેડૂત પર પૈસાની લેતીદેતી ના મામલે હુમલો: માથામાં ચા ની કીટલી ફટકારી

  • February 09, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા એક ખેડૂત યુવાન પર કારના સુથીના પૈસાની લેતી દેતી ના મામલે એક ગામનાજ એક શખ્સે હુમલો કર્યો છે, અને ચા ની હોટલમાં સમાધાન માટે બોલાવ્યા પછી માથામાં ચા ની કીટલી ફટકારી દઈ માથામાં ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઈ ગોરધનભાઈ બુસા નામના ખેડૂત યુવાને પોતાના માથા પર ચા ની કીટલી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના ગામમાં જ રહેતા ચીમનભાઈ વલ્લભભાઈ કોટડીયા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત ને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભીખાભાઈ ના મોટાભાઈએ આરોપી ચીમનભાઈ પાસેથી એક કારની ખરીદી કરી હતી અને તેનો દોઢ લાખ રૂપિયામાં સોદો કર્યા પછી ૫૦,૦૦૦ રૂપિયા સુથી પેટે એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ કાર લઈને ઘેર જતાં પરિવારના સભ્યોને કાર પસંદ પડી ન હતી, તેથી કાર પરત કરી હતી, અને પચાસ હજાર રૂપિયા સુથીના પરત માંગ્યા હતા.
દરમિયાન ભીખાભાઈ ને કાલાવડ તાલુકાના મોટા વડાલા નજીક પાતા મેઘપર ચોકડી પાસે આવેલી સામતભાઈ રબારી ની ચા ની હોટલે સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં કાર પરત મેળવી લીધા પછી સુથી ના પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જે મામલે બબાલ થયા પછી આરોપીએ ભીખાભાઈ ના માથામાં ચા ની કીટલી ઉપાડીને ફટકારી દીધી હતી. જે બનાવવામાં પોલીસે ચીમનભાઈ કોટડીયા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
***
ચાલવાના રસ્તા બાબતે ગઢકાના વૃદ્ધ પર હુમલો: કૌટુંબિક શખ્સો સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા લખમણભાઈ પમાભાઈ નકુમ નામના ૬૨ વર્ષના વૃદ્ધ દલવાડી વૃદ્ધને આ જ વિસ્તારમાં રહેતા નરશીભાઈ જેઠાભાઈ નકુમ, દેવજીભાઈ જેઠાભાઈ નકુમ તથા આ બંને શખ્સોના પત્નીએ બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા કુહાડાના ઘા મારીને તથા પથ્થરના ઘા ઝીંકી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી લખમણભાઈનો ચાલવાનો રસ્તો આરોપી નરસીભાઈ તથા દેવજીભાઈના ખેતરમાંથી હોય, આરોપીઓએ આ રસ્તે ચાલવાની ના કહેતા આના અનુસંધાને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે બે મહિલાઓ સહિત ચારેય સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application