અકસ્માતમાં 17 વર્ષના યુવાનનું બ્રેઇનડેડ થતા વિશ્વ લિવર દિવસે પરિવારે લિવર, બે કિડની અને બંને આંખોનું દાન કરી ત્રણના જીવનમાં ઉજાસ પાથર્યો

  • April 19, 2025 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ લિવર દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિવર સહિત બે કિડની અને બે આંખોનું દાન મળ્યું છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં  ૧૮૮ મુ અંગદાન થયું છે. 


સમગ્ર વિગતો એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ના વતની ૧૭ વર્ષના યુવાન મનુભાઇ ઇન્દ્રેશભાઇ ઓડિયાને તા.૧૨-૦૪-૨૦૨૫ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે માર્ગ અકસ્માત નડ્યો. જેમા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારપછી વધુ સારવાર અર્થે  સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 16/04/2025ના રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા‌ 19-04-2025 ના રોજ ડોક્ટરોએ મનુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. 


મનુભાઇના પિતા ઇંદ્રેશભાઇ તેમજ તેમના દાદાએ ખુબ વિચારના અંતે આવી પરિસ્થિતિમાં મનુભાઇના અંગોનુ દાન કરી બીજાના શરીરમાં મનુભાઇ જીવીત રહેશે એમ સમજી બીજા ત્રણ લોકોની જિંદગી બચાવવા અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.


 મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનના સેવાયજ્ઞ માટેની ટીમ સરકારની ગાઇડલાઇન મુજબ આઇસીયુમાં રહેલ દર્દીઓને બચાવવા તેમજ તેમાંથી જો કોઈ દર્દી કમનસીબે બ્રેઇન ડેડ થાય તો રાત-દિવસ કાર્યરત રહી તેનુ મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવે છે અને એ રીતે બીજા પાંચથી આઠ લોકોની જિંદગી એક બ્રેઇન ડેડ દર્દીમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે.


ત્રણ લોકોની જિંદગી આપણે બચાવી શકીશું

મનુભાઈના અંગદાનથી મળેલ બે કિડની, એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરુરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મનુભાઈથી મળેલ બે આંખોનુ દાન સિવિલ મેડિસિટી કેમ્પસની જ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું. આમ આ અંગદાનથી કુલ ત્રણ લોકોની જિંદગી આપણે બચાવી શકીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


અમદાવાદ સિવિલને અત્યારસુધીમાં 615 અંગોનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારસુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગોનું દાન મળેલ છે. જેમાં 164 લિવર, 342 કિડની, 11 સ્વાદુપિંડ, 60 હૃદય, 30 ફેફસા, 6 હાથ, 2 નાના અંતરડા અને 10 ચામડીનો સમાવેશ થાય છે. આ 188 અંગદાતાઓ થકી 597 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application