જામનગર ખાણી-પીણીમાં મોજ કરાવે છે: સંજય ગોરડિયા

  • February 05, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી રંગમંચના ખ્યાતનામ પ્રોડ્યુસર-એક્ટર સંજય ગોરડિયાની ’આજકાલ’ સાથે ખાસ મુલાકાત : કમઠાણનો હીરો તેની વાર્તા છે : બા રિટાયર્ડ થાય છે એના ૬૫૦ શો કર્યા : પદ્મા રાણી, જયા બચ્ચન,શત્રુઘ્ન સિંહા, જીન્નત અમાન, જાવેદ જાફરી,સરમન જોશી વિગેરે સાથે કામ કર્યું : હાસ્યનું હુલ્લડ સર્જતા ધુંઆધાર ૧૦૨ નાટકનો રેકોર્ડ

ગુજરાતી ફિલ્મ કમઠાણના પ્રમોશન માટે જામનગર આવેલા દિગ્ગજ ગુજરાતી કલાકાર રંગમંચના પ્રોડ્યુસર, કોમેડી કિંગ સંજય ગોરડિયાએ આજકાલને ખાસ મુલાકાત આપી હતી. જેમાં તેમણે પોતાની લાક્ષણિક અદામાં ૧૦૨ નાટકોની ધુંવાધાર ઇનિંગ,ગિફ્ટ સિટી,જામનગરની ખાણીપીણી,વિદેશ પ્રવાસના અનુભવો અને ગુજરાતી ફિલ્મ કમઠાણ વિશે દિલ ખોલીને વાતો કરી હતી.ગુજરાતી દર્શકોના હૃદય પર વર્ષોથી રાજ કરનાર હાસ્યસમ્રાટ સંજયભાઈ ડાઉન ટુ અર્થ છે.
ગુજરાતના જાણીતા નાટ્યકાર સંજયભાઈ ગોરડિયા  ઉનાના દેલવાળા ગામના મૂળ વતની છે અને ત્યાં તેમનું જૂનું ઘર છે, મુંબઈમાં તેમનું બાળપણ વીત્યું હતું, અહીં અલીબાગમાં એક ગુજરાતી લાઇબેરી હતી જ્યાં વાંચનનો શોખ કેળવ્યો, બાળ સાહિત્ય તેમજ અન્ય સાહિત્યનું ખૂબ વાંચન કરતા હતા. આજકાલ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, મૂળ તો હું એક્ટર બનવા માટે ૨૦ વર્ષની ઉંમરે  આવેલો, શરૂઆતમાં બેકસ્ટેન્ડ અને પ્રો.મેનેજર બન્યો, એ જમાનામાં દિગ્દર્શક લતેશ શાહે છેલ છબો નાટકમાં મને રોલ આપ્યો, એ પછી નાના નાના રોલ કર્યા, નાટકોમાં મેઈન લીડ રોલ ૪૫ વર્ષની ઉંમરે છગન મગન તારા છાપરે લગ્ન, જેમાં કર્યો હતો જેને પણ ૧૮ વર્ષ પુરા થવા આવ્યા છે, જો કે મારું મુખ્ય ધ્યેય પ્રોડકયુસર તરીકે  સારા નાટકો આપવાનું હતું, રંગમંચ પર ૧૦૨ ધુઆધાર નાટકો કર્યા , જેને તમે રેકોર્ડ કહી શકો. આ બધા નાટકો મારા મોબાઈલની પ્રોફાઇલમાં મોજુદ છે. મારા બેનર હેઠળ બનેલા ૧૦૨ નાટકોમાંથી ૪૦ જેટલા નાટકો માં મેં અભિનય કર્યો છે જેને દર્શકોએ ખોબલે ખોબલે વધાવી લીધો છે.
ચીતકાર,હિમ કવચ,પપ્પુ પાસ થઈ ગયો, છેલ છબીલો ગુજરાતી,ચુપ રહો ખુશ રહો, દે તાલી કોના બાપની દિવાળી, સુંદર બે બાયડી વાળો, બૈરાઓનો બાહુબલી, સખણા રહે તો સાસુ નહીં,પરણેલા છો તો હિંમત રાખો, મસાલા માનવી, મિસિસ મંજુલા, જલસા કરો જેંતીલાલ.. વિગેરે જેવા ઉપરાંત બા રિટાયર્ડ થાય છે, આ નાટકના સૌથી વધુ ૬૫૦ શો કર્યા છે. પદ્મારાણી સાથે ૧૫ નાટકો કર્યા, બા રિટાયર્ડ થાય છે ને હિન્દીમાં જયા બચ્ચન સાથે મા રિટાયર હોતી હે તથા જયા બચ્ચન સાથે અન્ય એક નાટક ડોક્ટર મુક્તા તથા શત્રુદન સિંહા સાથે પતિ, પત્ની ઔર મે.. જીન્નત અમાન સાથે ચુપકે ચુપકે.. સરમન જોશી સાથે હું લઈ ગયો તું રહી ગયો અને આ નાટકને જાવેદ જાફરી સાથે હિન્દીમાં મે લે ગયા તુ રહે ગયે.. ઉપરાંત જંતર મંતર અને અદ્રશ્ય જેવા હોરર નાટકોના પણ પ્રયોગ કરેલા આમ થિયેટરની લાંબી મંઝિલ કાપી અને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે.
નાટકો ઉપરાંત હિન્દી અને ગુજરાતીમાં કહેવતલાલ પરિવાર, વહાલમ જાઓ ને અને કમઠાણ ફિલ્મો,ટીવી સિરીયલો, ગોટી સોડા નામની વેબ સિરીઝમાં વિવિધ પાત્રો ભજવ્યા, આ દરેક પ્લેટફોર્મ પર કામ કર્યું જોકે, આ બધામાં મારા સૌથી નજીક નાટક છે, કોઈપણ એક્ટર માટે ફિલ્મો કે સીરીયલો કરતા  તે નાટકની વધારે નજીક હોય છે કારણ કે થિયેટર એ એક્ટરને આત્મસંતોષ આપે છે, તેનાથી કલાકાર રિચાર્જ થાય છે,
સંજયભાઈ ગોરડિયા દેશ વિદેશોમાં નાટકો લઈને ગયા છે, અમેરિકા અને કેનેડામાં તો ૧૫ વખત ગયા છે સતત પ્રવાસો કરતા રહે છે. આગળ સંજયભાઈ કહ્યું હતું કે વિદેશમાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અમારું ડિનર હતું, ત્યાં હાજર લોકો મને ઓળખી ગયા અને મારી સાથે ફોટા પડાવવા માંડ્યા,વાતો કરી ત્યાંના  વેઈટરો,શેફ બધાઓએ મારા માટે તાળીઓ પાડી સન્માન આપ્યું આ બધું સ્વયંભૂ થયું, જમતો હતો ત્યાં પણ કેટલાક ચાહકો અચાનક આવી ગયા અને ફોટા પડાવ્યા... આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ હતો. તેમણે કહ્યું કે હું જમતો હોવો અને કોઈ ચાહક આવી ચડે તો હું જમતા જમતા પણ ફોટા પડાવુ છું, ભોજન સાઈડમાં રાખીને પણ હું ફોટા પડાવું છું ફોટા પાડવાની ના પાડું નહીં મારા માટે ચાહક, દર્શક મહત્વનો છે,
એક્ટર અને પ્રોડ્યુસરમાં મારો ગ્રાફ પ્રોડ્યુસરમાં વધુ છે. વાંચન પ્રેમી સંજય ગોરડિયા એ આગળ કહ્યું હતું કે કોઈ નાટકની વાર્તા પસંદ કરતી વખતે હું  વાર્તા કેટલી લાંબી છે એ પ્રથમ જોઉં છું. જેથી સૂક્ષ્મ વાત હોય તો તેને કારણ વગર ખેંચવી ન પડે. વાર્તામાં બિનજરૂરી ખેચાણ દર્શકોને કંટાળો આપે છે. જ્યારે હું હિટ બનાવવામાં માનું છું. જોયા પછી લોકોને મજા આવવી જોઈએ. પ્રિય નોવેલ વિશે પૂછતા તેઓએ કહ્યું હતું કે અશ્વિની ભટ્ટે રૂપાંતર કરેલી અડધી રાત્રે આઝાદી.. જેના પરથી વેબ સિરીઝ બની રહી છે અને મહેન્દ્ર દેસાઈની પેડલ પર પૃથ્વીની પરિક્રમા.. જેમાં સાયકલ પર વિશ્વ પ્રવાસની વાત છે આ મારી ફેવરિટ છે, લાઇફમાં ક્યારેક નાસીપાસ થાવ ત્યારે વાંચી જોઈ લેવાથી  બળ મળે છે.
આપણા જામનગર વિશે સંજય ભાઈએ કહ્યું હતું કે, જામનગરના ટાઉનહોલમાં અમે ઘણા નાટકો કર્યા છે, અહીંના નાટ્ય કલાકારો મારા મિત્રો છે, અગાઉ નાટ્ય શિબિરમાં પણ હું આવી ચૂક્યો છું. લાખોટા તળાવમાં વોકિંગ પણ કર્યું છે, ખાસ તો જામનગર ખાણી-પીણી માટે મોજ કરાવે છે.. હું પોતે પણ ફ્રૂટ ડ્રાઈવ બ્લોગ લખું છું જેમાં પણ મેં અગાઉ જામનગરની ખાણીપીણી વિશે લખેલું... જેડીના જોટા,બ્રેડ કટકા, ઘુઘરા, રસપાઉં, ડ્રાય ફુટ કચોરી,બ્રેડ-દૂધ મારા પ્રિય છે. મુંબઈમાં વિચારી પણ ન શકો એવી ખાવાની વેરાઈટી જામનગરમાં ઠેર ઠેર મળે છે. તમારા નગરની મહેમાનગતિ મને બહુ ગમે છે. આગળ એમ પણ કહ્યું હતું કે.. આપણી જૂની વાનગીઓ એ  સ્વાદની સાથે સ્વાસ્થ્ય આપનારી છે, નાના બાળકોને શક્ય તેટલા જંક ફૂડથી દૂર રાખવા જોઈએ. રાજકોટમાં ધરા મિત્ર દ્વારા વિસરાતી વાનગીઓનો સરસ કાર્યક્રમ કર્યો હતો. મીડ ડે માં છ વર્ષથી મારી જે જીવ્યુ એ લખ્યું..નામની આત્મકથાનક કોલમ પ્રસિદ્ધ થાય છે.
આગળ કહ્યું હતું કે હાસ્ય એ માત્ર હાર્ટ એટેક જ નહીં બધી બીમારીઓની લાજવાબ દવા છે. નવા કલાકારોએ ખૂબ મહેનત કરીને સ્કિલ ડેવલપ કરવી જોઈએ.. ભાષાનું જ્ઞાન અને સેન્સ ઓફ હ્યુમર કલાકારને સફળતા માટે મુખ્ય ભૂમિકા ભજવેછે.. આ ન.મો.બહુ નડે છે.. આ નાટક વિશે વાત કરતા કહેલું કે, નમો બહુ નડે છે આ ટાઈટલ સામે સરકારના મનોરંજન વિભાગ એ વાંધો ઉઠાવેલો એટલે નવું ટાઈટલ વિચારેલું... ખરેખર તો આ ન. મો.બહુ નડે છે.એટલે નરોતમ મોરબી વાળા એવું હતું.!! પછી આ ન.મો. ને નડતા નહીં.. એવું શીર્ષક આપેલું, અને પહેલીવાર એવું બન્યું કે એક જ નાટક બે અલગ અલગ ટાઇટલ સાથે ભજવાયા અને બંને ટાઈટલ સુપરહિટ થયા. હાલમાં ગીફટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જે અંગે  સંજયભાઈ કહ્યું હતું કે, આટલા વર્ષે આપણા ગુજરાતમાં છૂટ આપવામાં આવી, જેને સેલિબ્રેટ કરવું જોઈએ, છાપાવાળાઓએ ટીકા ન કરવી.., બુટલેગરના ગજવામાં જે કાવડિયા જતા હતા એ રાજ્યની તિજોરીમાં  આવવા જોઈએ. સોશિયલ મીડિયા પર મેં એવોર્ડ ફંક્શન બાદ લખેલું કે પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો..!!
હાલમાં બે અઢી ખીચડી કઢી.. નાટક ખૂબ જ ચર્ચામાં છે, અને આગામી સમયમાં ત્રંબક ત્રણ બાયડીવાળો નાટક લઈને આવીશું. ગુજરાતના જાણીતા સાહિત્યકાર અશ્વિની ભટ્ટની નોવેલ પરથી બનેલી ગુજરાતી  ફિલ્મ કમઠાણ વિશે સંજય ગોરડિયા એ કહ્યું હતું કે, કમઠાણ એ એવી મુવી છે જેમાં વાર્તા હીરો છે.., એના ડાયલોગ્સ હિરોઈન છે. તેમાં સહજ કોમેડી અને ડાર્ક હ્યુમર છે. હેલ્લારો ટીમે નવલકથાને સુંદર રીતે કેમેરે કંડારી છે. ચોર -પોલીસની વાર્તા છે, હું રધલો ચોરના પાત્રમાં છું, હિતુ કનોડિયા પોલીસ ઓફિસર છે, દર્શન જરીવાલા હવાલદારની ભૂમિકામાં છે, પોલીસના ઘરમાં ચોરી થાય અને પછી સર્જાય એ કમઠાણ છે. ભરપૂર કોમેડી છે,તમો ખુરશીમાંથી ઉછળી જશો.. દરેકને મજા આવશે.. હિન્દી ફિલ્મને ટક્કર મારે એવી આ ગુજરાતી ફિલ્મ છે.
’આજકાલ ’કાર્યાલય આવેલા રંગમંચના ઉમદા કલાકાર સંજય ગોરડિયાની આ મુલાકાત વેળાએ તેમની સાથે નગરના નાટ્યકાર લલિત જોશી અને ભાવેશભાઈ શેઠ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application