જ્યારે દુનિયાના વિકસિત દેશો સપ્લાય ચેઈન તૂટવાના ડરથી ચિંતિત છે, ત્યારે ભારતે પોતાના શાનદાર મેનેજમેન્ટ દ્વારા ઉર્જા સુરક્ષાને લોખંડી કવચ પૂરું પાડ્યું છે. કાચા તેલના બજારમાં ભારે ઉથલપાથલ હોવા છતાં સામાન્ય માણસના રસોડાથી લઈને દેશના ઉદ્યોગો સુધી ઇંધણની કોઈ અછત વર્તાઈ નથી.
સરકારે બજારમાં ગભરાટ ફેલાવીને નફો કમાતા સંગ્રહખોરોનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજીનો પુરવઠો 100 ટકા કાર્યરત છે. દેશમાં દરરોજ 51.8 લાખ ગેસ સિલિન્ડરની સુરક્ષિત ડિલિવરી થઈ રહી છે. સિસ્ટમને પારદર્શક બનાવવા માટે 98% બુકિંગ ડિજિટલ કરવામાં આવ્યું છે. અફવાઓની આડમાં કાળાબજાર કરનારાઓ પર તવાઈ બોલાવતા એક જ દિવસમાં 2100થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 310 એજન્સીઓને દંડ અને 70ના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.
અર્થતંત્ર અને ઉદ્યોગોને મળી નવી ગતિ
ભારતની રિફાઇનરીઓ અત્યારે પોતાની પૂર્ણ ક્ષમતા પર કામ કરી રહી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલનો બમ્પર સ્ટોક ઉપલબ્ધ છે. મોંઘવારી સામે રક્ષણ આપવા માટે સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો કાપ ચાલુ રાખ્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય ભાવ વધારાની અસર ભારતીય ગ્રાહકો પર પડી નથી.
કોમર્શિયલ સેક્ટર: હોસ્પિટલ, ફાર્મા અને કૃષિ ક્ષેત્ર માટે 70% સપ્લાય પુનઃસ્થાપિત કરાઈ છે.
પીએનજી (PNG) કનેક્શન: માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 5.45 લાખ નવા પીએનજી કનેક્શન શરૂ કરીને ભારત ગેસ પાઇપલાઇન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે.
નાના કામદારોની મદદ: 5 કિલોવાળા નાના સિલિન્ડરનું વેચાણ એક જ દિવસમાં 82,000 ને પાર કરી ગયું છે.
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનું 'રેસ્ક્યૂ મોડેલ'
ભારત માત્ર સરહદની અંદર જ નહીં, પણ વિદેશમાં વસતા પોતાના નાગરિકો માટે પણ સુરક્ષાની ગેરંટી બની ગયું છે. પશ્ચિમ એશિયાના અશાંત વાતાવરણ વચ્ચે ભારતીય દૂતાવાસો 24×7 કાર્યરત છે:
નાવિકોની સુરક્ષા: વ્યાપારી જહાજો પર તૈનાત 2,764 ભારતીય નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
હવાઈ માર્ગે પરત: 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 12.96 લાખ મુસાફરો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે.
ઈરાનથી રેસ્ક્યૂ: ઈરાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી 2,445 ભારતીયોને જમીની માર્ગે બહાર કાઢીને ભારતે પોતાની રેસ્ક્યૂ ક્ષમતાનો પરિચય આપ્યો છે.
ભારતની આ સજ્જતા દર્શાવે છે કે વૈશ્વિક સંકટ ગમે તેટલું મોટું હોય, પરંતુ મજબૂત નેતૃત્વ અને સચોટ આયોજન દ્વારા કોઈપણ દેશ પોતાની અર્થવ્યવસ્થા અને નાગરિકોને સુરક્ષિત રાખી શકે છે.