જામનગરમાં ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની નોંધણીમાં ખેડૂતોનો જબ્બર ટેકો મળ્યો છે. કારણ કે,ગત વર્ષ કરતા ખેડૂતોનુ બમણું રજીસ્ટ્રેશન થયું છે.ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું ૫૦૦૦૦ હેકટરથી વધુ વાવેતર, કપાસની સાપેક્ષમાં મગફળીના ટેકાના ભાવમાં દર વર્ષે ભાવમાં નોંધપાત્ર વધારો મુખ્ય કારણ છે. ટેકાના ભાવે મગફળી વેંચાણની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. પરંતુ ખરીદી કયારે શ થશે તે સવાલ ઉઠ્યો છે. વરસાદના કારણે તૈયાર મગફળીમાં ભેજ લાગવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
રાજય સરકાર દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય કરાયો છે. જે અનુસાર જામનગર સહીત રાજયભરમાં ૧ સપ્ટેમ્બરથી નાફેડ દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. નોંધણીની આખરી મુદત ૧૫ સપ્ટેમ્બર હતી. પરંતુ ઓનલાઇન નોંધણીમા પોર્ટલમાં ધાંધિયાથી ઘણા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. આથી રજીસ્ટ્રેશનની મુદત લંબાવી ૨૨ સપ્ટેમ્બર કરવામાં આવી હતી. નોંધણી પ્રક્રીયા પૂર્ણ થઇ છે. ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોનો જબ્બર ટેકો મળ્યો છે. કારણ કે, વર્ષ ૨૦૨૪ માં જામનગર જિલ્લામાં ફકત ૪૯૧૬૮ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા નોંધણી કરાવી હતી. જયારે ચાલુ વર્ષે જિલ્લામાં ૧૦૨૯૭૦ એટલે કે બમણાથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જિલ્લામાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં ૨૬૪૬૯ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા નોંધણી કરાવી છે.
બીજી બાજુ ગત વર્ષે સરકાર દ્રારા એક મણ એટલે કે ૨૦ કીલો મગફળીના ટેકાના ભાવ રૂ.૧૩૫૬ નકકી કરવામાં આવ્યા હતાં. જયારે ચાલુ વર્ષે તેમાં વધારો કરી આ ભાવ ટેકાના ભાવે મગફળી વેંચાણની નોંધણી પ્રક્રિયા પૂર્ણ: ખરીદી કયારે શરૂ થશે તે સવાલ: વરસાદના કારણે તૈયાર મગફળીમાં ભેજ લાગવાના કારણે ખેડૂતોને મુશ્કેલી રૂ.૧૪૫૨ નકકી કરાયા છે. આમ ભાવ વધારાના કારણે ટેકાના ભાવે મગફળી વેંચાણમાં ખેડૂતોનો ધરખમ ટેકો મળ્યો છે. આટલું જ નહીં મગફળી ટૂંકા ગાળાનો પાક હોય તથા પાણીની સુવિધાના કારણે મગફળી પછી અન્ય પાક લઇ શકાય તે માટે ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા છે.
જેના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં ૫૦૦૦૦થી વધુ હેકટરમાં મગફળીનું વધુ વાવતેર થયાનું ખેતીવાડી વીભાગના અધિકારીઓએ જણાવ્યું છે. મગફળીના વાવેતરમાં વધારો થવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહીલે જણાવ્યું હતું કે, મગફળી ૩ મહીનાનો ટૂંકા ગાળાનો પાક હોય આ પાક પછી અન્ય પાક લઇ શકાતા હોય વાવેતર વઘ્યું છે. આટલું જ નહીં, કપાસની સરખામણીએ દર વર્ષે મગફળીના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આથી ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા છે. કપાસનો પાકનો સમયગાળો ૬ મહીનાનો હોય તથા ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો થતો ન હોય કપાસનું વાવેતર ઘટ્યું છે. મગફળીના ટેકાના ભાવે નોંધણી પ્રક્રીયા પૂર્ણ થઇ છે અને હવે આગામી દીવસોમાં ખરીદીની પ્રક્રીયા શરૂ થશે.
મગફળીના મબલખ ઉત્પાદનથી સીંગતેલના ભાવ ઘટવાની શક્યતા, સંગ્રાહખોરી યથાવત
જામનગર સહીત રાજયભરમાં ચાલુ વર્ષે મગફળીનું મબલખ વાવેતર થતાં વિપુલ ઉત્પાદન થશે. આથી બજારમાં સીંગતેલના ભાવ ઘટશે. પરંતુ ડીસેમ્બર સુધી ભાવ ઘટાડાનો લાભ સંભવત: ગ્રાહકોને મળશે. કારણ કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ શરૂ થઇ નથી. બીજી બાજુ તેલીયા રાજાઓ સસ્તામાં ખેડૂતો મગફળી વેંચે તેની રાહ જોઇને બેઠા છે તો સરકારે નકકી કરેલો મગફળીનો જથ્થો ટેકાના ભાવે વેંચ્યા બાદ વધેલી મગફળી ઉંચા ભાવે વેંચવાની લ્હાયમાં ખેડૂતો સંગ્રાહખોરી કરે છે. આથી મગફળીની કૃત્રીમ અછત ઉભી થતા સીંગતેલના ભાવ વધે છે. જેનો ભોગ ગ્રાહકો બની રહ્યા છે.
ફુડ ફેટીક એસીડ ઓછું હોય તે સીંગતેલનો ભોજનમાં ઉપયોગ આરોગ્ય માટે ફાયદાકારક
જામનગર સહીત સૌરાષ્ટ્રમાં ઘણી ઓઇલ મીલ કાર્યરત છે. આ મીલમાં મગફળીનું પીલાણ કરી સીંગતેલ બનાવામાં આવે છે. સીંગતેલ તૈયાર થયા બાદ ઉંચી બ્રાન્ડ ધરાવતા વેપારીઓ આ તેલ ખરીદે છે. પરંતુ તે પૂર્વે તેલમાં એફએસએ એટલે કે ફુડ ફેટીક કેટલું છે, પીવી વેલ્યુ સહીતના પેરામીટર ચેક કરે છે. જો તેમાં સીંગતેલ પાસ થાય તો બ્રાન્ડ ધરાવતા વેપારીઓ ખરીદી કરે છે. ત્યારે જે સીંગતેલમાં ફુડ ફેટીક એસીડનું પ્રમાણ ખૂબજ ઓછું એટલે કે નજીવું હોય તે સીંગતેલનો ભોજનમાં ઉપયોગ આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક હોવાનું તબીબો અને તેલના વેપારીઓએ જણાવ્યું છે.