રણજીતસાગર રોડ પર દૂધની ડેરી ચલાવતા વેપારી વ્યાજખોરના વિષચક્રમાં ફસાયા: પોલીસ ફરિયાદ: ૬ લાખના વ્યાજ સહિત ૧૮ લાખનું ચુકવણું કરી દીધા છતાં કોરા ચેક અને દાગીના મેળવી લઈ મુદ્દલ અને વધુ વ્યાજની માંગણી કરાઈ
જામનગરના રણજીત સાગર રોડ પર દૂધની ડેરી ચલાવતા એક વેપારી વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયા છે. કોરા ચેક અને દાગીના ગીરવે મૂકીને ૬ લાખ વ્યાજે લીધા બાદ તેનું ત્રણ ગણું ૧૮ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં મુદ્દલ અને વધુ વ્યાજ ની માંગણી કરાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર નીલગીરી વિસ્તારમાં રહેતા, અને તે જ વિસ્તારમાં દૂધ ની ડેરી ચલાવતા મંછાભાઈ મેઘાભાઈ ચૌહાણ નામના ૩૨ વર્ષના વેપારી યુવાને પોતાના ધંધાની જરૂરિયાત માટે જામનગરમબસુભાષ પાર્ક માં રહેતા અનિલ વિનોદભાઈ ભદ્રા પાસેથી છ લાખ રૂપિયા કટકે કટકે વ્યાજે લીધા હતા. તેના બદલામાં તેણે પોતાના બે કોરા ચેક આપ્યા હતા. ઉપરાંત કેટલાક સોનાના દાગીના પણ ગીરવે મૂકેલા હતા, જેમાં કાનમાં પહેરવાના છ વેઢલા તથા બે નંગ સોનાના કડા વગેરે નો સમાવેશ થાય છે.
ફરિયાદી યુવાન દ્વારા વ્યાજખોરને અત્યાર સુધીમાં ૬ લાખ ના બદલામાં કુલ ૧૮ લાખ પાંચ હજાર જેટલી રકમ ચૂકવી આપી હતી, તેમ છતાં પોતાની મૂળ રકમ અને વધુ વ્યાજ મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી હારી થાકીને આખરે સીટી એ. ડીવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.
જેથી ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ. કે. બ્લોચ તેમજ સ્ટાફના જયેશભાઈ વઢેલ વગેરેએ આરોપી અનિલ ભદ્રા સામે મનીલેન્ડર્સ એક્ટ ની કલમ ૫, ૩૯,૪૦,૪૨,(એ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.