રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે
ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ કરી લીધી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા કપિલ હરજીભાઈ ઠાકોર નામના 25 વર્ષના કોળી યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા નીરજ વિનોદભાઈ જટણીયા (ઉ.વ. 38) અને કેતન વિનોદભાઈ જટણીયા દ્વારા વિવિધ પ્રકારના ખોટા કિંમતી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા.
આરોપીઓ દ્વારા આ બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી અને સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ વગર ચોક્કસ પ્રકારનું નશાકારક પીણું બનાવવાનું પીઠું ઊભું કરાયું હતું. આ ઉપરાંત આરોપીઓએ ખોટો આર્થિક લાભ લેવા માટે તેમજ તેમની પાસે કોઈપણ પ્રકારનું ટેકનિકલ જ્ઞાન ન હોવા છતાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું નશાકારક પીણું બનાવીને લોકોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. જેમાં પોતે કોઈ ઉત્પાદક ન હોવા છતાં પોતે ઉત્પાદક તરીકે ચોક્કસ નામ ધારણ કરી અને નશાકારક પીણું બનાવી, તેની ઉપર નોન આલ્કોહોલનું લેબલ લગાવી દેવામાં આવ્યું હતું. પરંતુ અંદર નશાકારક પીણું હોવાથી આ પીણું લોકોની તંદુરસ્તીને હાની પહોંચાડે તેવું હતું.
આમ, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ દ્વારા સમાજમાં નશાની બદી ફેલાવવાના ગુનાહિત ઈરાદે નશાકારક પીણું બનાવવા તેમજ વેચાણ કરવા અંગેનું લાયસન્સ ન હોવા છતાં પણ ઉત્પાદક તરીકેનું વેચાણ થતું હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2,17,910 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટણીયાની અટકાયત કરી લીધી હતી. જ્યારે કેતન જટણીયાને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે બી.એન.એસ. તેમજ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આરોપીઓ સામે ઓખામાં વધુ એક ફરિયાદ
ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર, ઝરૂ દ્વારા ભીમરાણાના કેતન વિનોદભાઈ જટણીયા અને કપિલ હરજીભાઈ ઠાકોર (કોળી) સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે ઉપરોક્ત બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી, અને આર્થિક લાભ લેવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા. જેમાં સ્વાસ્થ્યને નુકસાનકર્તા નશાકારક પીણું બનાવીને ચોક્કસ કંપનીની સ્ટ્રોંગ બિયર તેમજ વ્હિસ્કી જેવા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ સ્ટીકરમાં નોન આલ્કોહોલનું લખાણ લખી અને લોકોને ગુમરાહ કરી, કોલ્ડ્રિંક્સની આડમાં લોકોને નુકસાનકારક પીણું બનાવી, તેનું વેચાણ કરવામાં આવતું હતું.
આ પ્રકરણમાં પોલીસે કેતન વિનોદભાઈ જટણીયાની અટકાયત કરી, કપિલ ઠાકોરનો કબજો લેવાની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણે ઓખા મંડળમાં ભારે ચર્ચા જગાવી છે.