હવામાન વિભાગ દ્વારા રાજકોટ પંથકમાં આગામી તા.૧૩ થી ૧૫ મે દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધતા જતા તાપમાન અને લૂના પ્રકોપથી નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર અસરો ન થાય, તે હેતુથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરેના સમયે ખાસ કામ વિના બહાર નહીં નીકળવા ભલામણ સાથે વધુબપડતા પાણી પીવાનું કહેવામાં આવ્યું છે.
રાજકોટમાં આવનારા બે દિવસ વધુ તાપ પડશે. ત્યારે લોકોએ અનેક પ્રકારે સાવચેતી રાખવી જોઈએ. હીટવેવથી બચવા માટે તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, પૂરતું પાણી પીવું તથા ઓ.આર.એસ., ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી / કાચી કેરીનો રસ (બાફલો), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. હળવા, સફેદ રંગના, ખુલ્લા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો જોઈએ. ઘરને ઠંડુ રાખવું, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. હીટસ્ટ્રોક, હીટરેશ અથવા હીટક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખી લેવા જોઈએ. માથાનો દુ:ખાવો, ઉબકા, પરસેવો અને આંચકી જેવા લક્ષણો દેખાય અથવા બેભાન અથવા બીમાર અનુભવો તો તરત જ ડોક્ટરને મળવું જોઈએ. પ્રાણીઓને છાંયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ. સગર્ભા અને બીમાર શ્રમિકો પર વધારે ધ્યાન આપવું જોઈએ. એ સિવાય આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળવા જોઈએ, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીનવાળો આહાર ટાળવો જોઈએ અને વાસી આહાર ન ખાવો જોઈએ. ગરમીના પ્રકોપ દરમિયાન નાની એવી બેદરકારી પણ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આથી, વહીવટી તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા આ ઉપાયોને અમલમાં મૂકી આપણે હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિથી બચી શકીએ છીએ.