મ્યુનિ.શાસકોની કાર ઉપરના સાયરન કાયદેસર કે ગેરકાયદે? મનપામાં વિપક્ષે વિવાદ છેડ્યો

  • February 13, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા ના શાસક પક્ષના પદાધિકારીઓની કાર ઉપરના સાયરન કાયદેસર છે કે ગેરકાયદેસર તે મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સવાલો ઉઠાવીને વિવાદનો મધપુડો છેડ્યો છે તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત આરટીઓ અને પોલીસ તંત્ર આ અંગે જરૂરી સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠાવી છે જો સાયરન કાયદેસર ન હોય તો તાત્કાલિક અસરથી વીઆઈપી કલ્ચર દૂર કરવાના ભાગરૂપે ગેરકાનુની સાયરન દૂર કરે તેવી માંગ ઉઠાવી છે.
વિશેષમાં આ અંગે મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશથી રાજકોટની સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકો જ્યારે હેલ્મેટ લગાવ્યા વગર આવે છે ત્યારે તેઓને તોતિંગ દંડ કરવામાં આવે છે અને ડ્રાઇવ યોજી લાખો રૂપિયા કટાવવામાં આવે છે અને સરકારી તિજોરી ભરવા સિવાય કોઈ કામગીરી પોલીસ પાસે હોય તેવું લાગતું નથી. પરંતુ સરકારી કચેરીઓમાં પડેલી ગાડીઓમાં સાયરન ગેરકાયદેસર અને અનઅધિકૃત છે કે કેમ તેની તપાસ થતી નથી. શાસકોને ગમે તે ટ્રાફિકનો ગુનો કરવાની જાણે કે છૂટ મળી હોય તે પ્રકારે ઉઠમણામાં, બેસણામાં કે અન્ય સ્થળે આવી સાયરાનો વાળી સરકારી ગાડીઓ લઈ પોતે સીન જમાવતા જોવા મળે છે જન સેવાને બદલે પોતાના અંગત કામો માટે મોટરો દોડતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સરકારી ગાડી પર સાયરન લગાવેલ છે જેનો વિવાદ હજુ ચાલુ છે ત્યાં મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિના અડધો ડઝન જેટલા પદાધિકારીઓએ પોતાની કાર પર જે સાયરન લગાડેલ છે તેની યોગ્યતા કેટલી ?
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે તેઓની જાણ મુજબ આરટીઓ ના કેતન ખપેડે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પાસે ખુલાસો માંગ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં અને અન્ય સરકારી કચેરીઓમાં સાયરન લગાડી ફરતા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની પણ તપાસ થવી જોઈએ અને ખુલાસો પૂછવો જોઈએ જો આમ આદમીને સરકારી કચેરીમાં આવીને પોલીસ દંડ કરતી હોય તો નિયમ વિરુદ્ધ લગાડેલ સાયરન લગાડનારા સામે મોટર વ્હીકલ ની કલમ 194 મુજબ કાર્યવાહી થઈ શકે છે તો કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી ? રાજ્ય સરકારે પણ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાના બણગા ફૂકે છે ત્યારે રાજકોટના આઇવે પ્રોજેક્ટમાં થુકનારા અને સામાન્ય ટ્રાફિકના ગુના માટે 1500 થી 2000 ના મેમા મોકલનારા રાજકોટ શહેર પોલીસનો કમાન્ડ ઓફ કંટ્રોલ વિભાગ શા માટે શાયરનો અંગે ઈ મેમો મોકલતી નથી. કે પછી વીઆઈપીઓને ખુલ્લેઆમ નિયમનો ભંગ કરી રાજ્ય સરકારે છૂટ આપી છે કે કેમ ? રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલી સાયરનો અંગે ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનર સ્પષ્ટતા કરે અને જો નિયમ વિરુદ્ધ હોય તો તમામને સાયરનો ઉતારી નાખે એવી અમારી માંગ છે. આ અંગે રાજકોટ આરટીઓ કેતન ખપેડ અને ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમિશનરને રાજકોટ મહાનગરપાલિકામાં કાર પર લગાવેલી સાયરનો જો નિયમ વિરુદ્ધ હોય તો તમામની શાયરનો દૂર કરવા માટે મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પત્ર દ્વારા માંગ ઉઠાવી હોવાનું ઉમેર્યું હતું.


મહાનગરપાલિકાની આ 12 કાર ઉપર સાયરન
મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા શાસક પક્ષના દંડક તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અને ફાયર બ્રિગેડ કમિટી ચેરમેન સહિતના સાત પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર અને ત્રણ ડેપ્યુટી કમિશનર તથા ચીફ ફાયર ઓફિસર સહિતના પાંચ અધિકારીઓ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application