૫૫ વર્ષથી અખબારી એજન્ટ તરીકે વ્યવસાય ધરાવતા અને પોતાના મર્હુમ પીતા હાજી સાલમભાઈના વારસાને આગળ ધપાવનારા આજકાલ સાંધ્ય દૈનીકના સીટી એજન્ટ હાજી અબ્બાસભાઈ બાજીયાત ૭૩ વર્ષની ઉમરે ફાની દુનીયાને એકાએક અલવીદા કરી ચુકયા છે, ગઈરાત્રે ધરે તેમનું ઈન્તેકાલ થયું અને આ અહેવાલો બહાર આવ્યા બાદ અખબારોના માલીકો, અખબારી એજન્ટો, વીતરકોમાં શોકની લાગણી ફરી વળી છે, આવતીકાલે મર્હુમની જીયારતની મજલીસ રખાઈ છે.
જામનગર, રાજકોટ, અમદાવાદ સહીતના ગુજરાતમાં જામનગરના એક વીખ્યાત અખબારી એજન્ટ તરીકે હાજી સાલમભાઈ બાજીયાતની અખબારી પેઢી એસ.એ.રહેમાન એન્ડ સન્સને આગળ ધપાવનારા અને આટલું જ નહી, આ પેઢી થકી અખબારી એજન્ટોની દુનીયામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવામાં તેઓ સફળ થયા હતાં.
સવારના જાણીતા અખબારો સાથે વર્ષો વર્ષ કામ કરી ચુકેલા હાજી અબ્બાસભાઈએ ૧૬ ઓગષ્ટ ૧૯૯૯થી જામનગરમાં શ થયેલા આજકાલ અખબારની જવાબદારી સંભાળી હતી અને આજ દીન સુધી તેઓ સુપેરે નીભાવી રહયા હતાં, હાજી સાલમભાઈના નીધન બાદ તેમની જીંદગીમાં અનેક પડકારોનો સામનો હસતા મોઢે તેમણે કર્યો હતો, અખબારી એજન્ટો અને વીતરકો સાથે પારિવારીક નાતો એમણે બનાવ્યો હતો.
ગઈકાલે મોડી સાંજે તેમના ધરમાં જ હાજી અબ્બાસભાઈએ અંતીમ શ્ર્વાસ લીધા હતાં અને તે પહેલાની કલાકોમાં તે હાલતા ચાલતા હતાં, કોઈ તકલીફ ન હતી, નાની-મોટી બીમારીઓ થતી હતી એવામાં એકાએક ગઈ સાંજે પોતાની આંખ બંધ કરી લીધી હતી, આરબ સમાજના પુર્વ પ્રમુખ રહી ચુકેલા હાજી અબ્બાસભાઈની દફનવીધી આજે સવારે અમરજુન કબ્રસ્તાન વીકટોરીયા પુલ ખાતે કરવામાં આવી હતી.
મર્હુમ હાજી સાહેબ પોતાની પાછળ પત્ની, પુત્રી અને ચાર પુત્રો અમજદભાઈ (સીટી એજન્ટ સંદેશ રાજકોટ-જામનગર), અબ્દુલ રહેમાન, યાસીર, હાજી ઈબ્રાહીમ સહિતના આખા બાજીયાત પરીવાર અને અરબ સમાજને વિલાપ કરતા છોડી ગયા છે.
મર્હુમની જીયારતની મજલીસ (બેસણુ) ભાઈઓ તથા બહેનો માટે આવતીકાલે તા.૦૭/૧૦/૨૦૨૫ મંગળવાર એ સવારે ૧૦:૩૦ વાગ્યે અરબ જમાતખાનુ હાપા રોડ ખાતે રાખેલ છે.
આજકાલના માલીક અને સ્થાપક ધનરાજભાઈ જેઠાણી, એડીટર, ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, અનીલભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઈ બાટવા સહિતના આખા આજકાલ પરીવારે કદી ન પુરાઈ શકે એવી ખોટ પડી હોવાની લાગણી વ્યકત કરીને મર્હુમને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી છે.