રાજુલાના રામપરા ગામ નજીક જંગલમાં લાગી ભીષણ આગ, અહીં મોટા પ્રમાણમાં સિંહ પરિવારનો વસવાટ, વન વિભાગમાં દોડધામ

  • April 08, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યાં સિંહ પરિવારોના ધામા છે એવા રાજુલાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં ભીષણ આગ લાગતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તેમજ ફાયર વિભાગ પણ દોડતું થયું છે. મોટી સંખ્યામાં ફાયરના જવાનો ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વિસ્તારમા સિંહ ઉપરાંત દીપડા અને હરણ પણ મોટી સંખ્યામાં રહે છે. આથી તેમના પર ખતરો મંડરાઈ રહ્યો છે.


અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

પ્રાપ્ત વિગત મુજબ, આજે સવારે 10 થી 11 વાગ્યા આસપાસ રાજુલાના રામપરા ગામ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોટા વિસ્તારમાં આગ પ્રસરી ચૂકી છે. આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી એમને કંઇ નુકસાન ન થાય તેના માટે સ્થાનિક આઈએફએસ ફાતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.


ઉદ્યોગોના ફાયર બ્રિગેડ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ

બાવળની ઝાડીઓમા્ં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્ષ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.


1000 હજાર વિઘા જમીન પડતર પડી છે

રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની 1000 વિઘા કરતા વધુ જમીન આવેલી છે. જેમાં કોઇ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે. જેથી એમાં મહાકાય બાવળ ઉભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવા અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતા હોવાનું વન વિભાગનું કહેવું છે. જેથી આ આગથી સિંહ સહિત કોઇપણ પ્રાણીને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિષેશ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application