ખંભાળીયા: પટેલકા સીમમાંથી બ્લેક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન કરતા ૮ શખ્સો  ઝડપાયા

  • June 05, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: પટેલકા સીમમાંથી બ્લેક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન કરતા ૮ શખ્સો  ઝડપાયા

૧.૭૫ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે : દેવભૂમિ દ્વારકા એસઓજીનો સપાટો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી કરતા તત્વો વિરૂદ્ધ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.વાળાના નેતૃત્વમાં એક મોટી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. તા. ૦૩/૦૬/૨૦૨૬ના રોજ એસ.ઓ.જી.ની ટીમ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

 તે દરમ્યાન એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલને ખાનગી બાતમીદાર મારફતે એક મહત્વની સંયુક્ત બાતમી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે પટેલકા ગામની થરવાળી-ધારવાળી સીમમાં આવેલા સરકારી ખરાબામાંથી કેટલાક ઇસમો કોઇપણ પ્રકારની રોયલ્ટી કે પાસ-પરમીટ વગર જે.સી.બી. મશીન અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને બ્લેક ટ્રેપ (કાળા પથ્થર) નું ગેરકાયદેસર રીતે બેફામ ખનન કરી રહ્યા છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડી તપાસ હાથ ધરતા સ્થળ પરથી ૨ જે.સી.બી. મશીન અને ૬ ટ્રેક્ટર-ટ્રોલીઓ મળી આવ્યા હતા. આ પૈકીના ૪ ટ્રેક્ટરોની ટ્રોલીમાં કાળા પથ્થરો ભરેલા હતા, જ્યારે અન્ય ૨ ટ્રેક્ટરો જે.સી.બી. મશીન પાસે પથ્થર ભરવા માટે તૈયાર ઉભા રાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ખોદકામની કામગીરી અટકાવી સ્થળ પર હાજર ઇસમો પાસે ખનન માટેની રોયલ્ટી, ખાણ ખનીજ વિભાગનો આધાર પરવાનો કે સક્ષમ અધિકારીની મંજૂરીના કાગળો માંગ્યા હતા. પરંતુ, હાજર રહેલા શખ્સો આ બાબતના કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી વાહનો ચલાવતા ૮ ચાલકોની અટકાયત કરી હતી. જેમાં જે.સી.બી. (નં. જીજે-૩૪-એસ-૦૭૯૬) ના ચાલક કાનાભાઈ બાલાભાઈ પરમાર (રહે. પાછતર ગામ, ભાણવડ), જે.સી.બી. (નં. જીજે-૧૧-એમ-૭૫૫૮) ના ચાલક કિશોરભાઈ બાબુભાઈ કછટીયા (રહે. ગઢકા ગામ, જામ કલ્યાણપુર), સ્વરાજ-૭૪૨ ટ્રેક્ટરના ચાલક યોગેશભાઈ માધાભાઈ ડાભી (રહે. જામ ગઢકા સીમ), મેસી ફર્ગ્યુસન-૨૪૧ ટ્રેક્ટર (નં. જીજે-૦૭-બીઆર-૮૦ળ૬) ના ચાલક પિયુષભાઈ કિશોરભાઈ ડાભી (રહે. જામ ગઢકા ગામની સીમ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિન્દ્રા યુવો-૪૭૫ ટ્રેક્ટરના ચાલક કિશોરભાઈ ગોરધનભાઈ ખાણધર (રહે. કેનેડી ગામ), મહિન્દ્રા-૪૧૫ ટ્રેક્ટર (નં. જીજે-૧૩-એબી-૫૬૬૦) ના ચાલક વિનુભાઈ મોહનભાઈ કણઝારીયા (રહે. જામ ગઢકા ગામ), મહિન્દ્રા-૪૭૫ ટ્રેક્ટર (નં. જીજે-૩૭-એમ-૭૯૪૭) ના ચાલક લાધાભાઈ કરશનાભાઈ કછટીયા (રહે. જામ ગઢકા ગામની સીમ) તેમજ મહિન્દ્રા યુવો ટેક+ ૪૦૫ ટ્રેક્ટર (નં. જીજે-૧૨-એફઈ-૭૭૩૨) ના ચાલક જેન્તીભાઈ આંબાભાઈ નકુમ (રહે. કેનેડી ગામ, જામ કલ્યાણપુર) ની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૧,૭૫,૬૦,૦૦૦/- જેટલી થાય છે. જેમાં ૨૫-૨૫ લાખ રૂપિયાની કિંમતના બે જે.સી.બી. મશીન, આઠ-આઠ લાખ રૂપિયાની કિંમતના ટ્રોલી સહિતના છ ટ્રેક્ટરો, ટ્રેક્ટરોમાં ભરેલો આશરે ૧૨ ટન બ્લેક ટ્રેપ પથ્થરનો જથ્થો (કિંમત રૂ. ૧૦,૦૦૦/-) તેમજ ઘટનાસ્થળેથી મળી આવેલો આશરે ૨૫,૦૦૦ મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ તથા હાર્ડ મોરમનો જથ્થો (કિંમત રૂ. ૭૫,૦૦૦/-) નો સમાવેશ થાય છે. આ કામગીરીને પાર પાડવામાં દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ.રાણા, પીએસઆઈ ડી.એ.વાળાની સાથે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા, રોયલ્ટી ઇન્સ્પેકટર કે.આર.પટેલ અને સર્વેયર જીજ્ઞેશભાઈ બારોટ જોડાયા હતા. તેમજ એસ.ઓ.જી. સ્ટાફના આસી. સબ. ઇન્સ્પેક્ટર સર્વ સજુભા હમીરજી જાડેજા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, કાનાભાઈ રણમલભાઈ માડમ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સર્વ સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, કૃષ્ણરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા, સ્વરૂપસિંહ કેશરસિંહ જાડેજા અને ડ્રાઇવર એ.એસ.આઈ. લખમણભાઈ કરશનભાઈ આંબલીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખનીજ માફિયાઓ સામે એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News