હવામાન ખાતાની આગાહીના પગલે દ્વારકામાં ૧૦ થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
હવામાન ખાતાની આગાહીના પગલે દ્વારકામાં ૧૦ થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 05, 2026 12:39 PM
હવામાન ખાતાની આગાહીના પગલે દ્વારકામાં ૧૦ થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
રાજ્યભરમાં આગામી છ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના પ્રભાવને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ રહી છે, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આ આગાહીની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કરંટ અને મોજાંની તીવ્રતામાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ગોમતીઘાટ વિસ્તારમાં સમુદ્ર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો હતો, જ્યાં અંદાજે ૧૦થી ૧૫ ફૂટ જેટલા ઊંચા મોજાં કિનારા તરફ ધસી આવતા નજરે પડ્યા હતા. દરિયાની અસામાન્ય સ્થિતિને કારણે સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓમાં પણ કૌતુક સાથે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે. દરિયામાં વધતા કરંટ અને પવનની ગતિને ધ્યાનમાં રાખી સમુદ્રમાં અવરજવર કરતી નૌકાઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આજથી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની પ્રક્રિયા શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની આગળ વધતી ગતિને પગલે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ વધુ ફેરફાર જોવા મળી શકે છે. દ્વારકાના દરિયામાં સર્જાયેલી હાલની સ્થિતિ આ બદલાતા હવામાનનો પ્રારંભિક સંકેત માનવામાં આવી રહી છે.