14મી સિઝન.. 10 ફાઈનલ.. શું આ વખતે ધોનીની CSK 5મી વખત ચેમ્પિયન બનશે?

  • May 24, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેન્નાઈ સુપર કિંગ્સના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વૉલિફાયર 1માં ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 રનથી હાર મળી હતી. આ મેચ જીતતા ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે જ્યારે ગુજરાત પાસે હજુ એક તક છે કે જે જીતીને ફાઈનલમાં પહોંચી શકે છે. ધોનીએ 14 સીઝનમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી 10 વખત ટીમ ફાઈનલમાં પહોંચી છે.




મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વખત ચેમ્પિન બની ચુકી છે. CSK ફરી એકવાર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમમાં ડેવોન કોનવેની બેટિંગમાં સતત રન બની રહ્યા છે ત્યારે દીપક ચહર, રવિન્દ્ર જાડેજા અને મથીસા ફાથિરાની બોલિંગમાં પણ ધાર જોવા મળી રહી છે, જેના કારણે વિરોધી ટીમના સૂપડા સાફ થઈ રહ્યા છે.




ચેન્નાઈ સુપર કિંગ્સ 10 વખત ફાઈનલમાં પહોંચીને 4 વખત ચેમ્પિયન બની છે. આ પછી સૌથી વધુ વખત ફાઈનલમાં પહોંચનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે કે જે 6 વખત ફાઈનલમાં પહોંચીને 5 વખત ચેમ્પિયન બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3-3 વખત ફાઈનલમાં પહોંચી છે. જેમાંથી કેકેઆર 2 વખત ચેમ્પિયન બનવામાં સફળ થઈ છે. જ્યારે આરસીબી હજુ એકપણવાર ચેમ્પિયન બની શકી નથી.




ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પહેલીવાર હરાવી છે. આ પહેલા બન્ને ટીમો ત્રણ વખત આમને સામને આવી હતી પરંતુ ચેન્નાઈની હાર થઈ હતી. સીએસકેએ 2022ની સિઝનમાં 9મા સ્થાન પર રહીને સંતોષ માનવો પડ્યો હતો. હવે એ જ ટીમે સતત ટોપ પર રહીને ગુજરાત ટાઈટન્સને હરાવીને ફાઈનલની ટિકિટ પાક્કી કરી છે.



મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે 2008, 2010, 2011, 2013, 2015, 2018, 2019, 2021 અને 2023માં ફાઈનલમાં પ્રવેશ કરી શકી છે.



ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને હરાવીને 5મી વખત ચેમ્પિયન બનવા તરફ આગળ વધી છે. ગાયકવાડે 44 બોલમાં 60 રનની ઈનિંગ્સ રમી હતી, જેના કારણે ચેન્નાઈએ 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જે બાદ ગુજરાત ટાઈટન્સની ઈનિંગ્સ અંતિમ બોલ પર 157 રન પર સમેટાઈ ગઈ હતી અને ધોનીની ટોળકીએ 10મી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ગુજરાતની ટીમ પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ઓલઆઉટ થઈ છે.



ગુજરાતની ટીમ હવે બીજી ક્વૉલિફાયર મેચમાં લખનૌ સુપર જાયન્ટ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે થનારી મેચમાંથી વિજેતા ટીમ સામે ટકરાશે. ગુજરાત ટાઈટન્સ માટે શુબમન ગિલે સૌથી વધારે 42 રન બનાવ્યા હતા. રાશિદ ખાને અંતિમ ઓવરોમાં 16 બોલનો સામનો કરીને બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા, જેના કારણે મેચ રોમાંચક બની હતી પરંતુ ગુજરાતની ટીમ મેચ જીતવામાં સફળ નહોતી થઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application