નોટિસ આપ્યા પછી એક્શન કેમ લેતા નથી ? મ્યુનિ.બાબુઓથી ભાજપના શાસકો નારાજ

  • July 06, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે બાંધકામ મામલે અપાતી નોટિસોનું હવે એક ટીમ નોટીસનું મોનિટરીંગ કરશે અને અન્ય ટીમ નોટીસનું ફોલોઅપ લેશે: બન્ને કાર્યવાહી અલગ અલગ ટીમ મારફતે કરાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય




રાજકોટ સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓ દ્વારા ગેરકાયદે બાંધકામ સહિતના વિવિધ નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ અનેક કિસ્સામાં નોટિસ આપ્યા બાદ કોઈ પગલાં લેવામાં આવતા ન હોય નોટિસધારકોમાં તંત્રની કોઇ જ ધાક રહેતી નથી. આવા કારણે અન્યોને પણ કાયદા અને નિયમોનો ભંગ કરવા પ્રેરણા મળે તેવું બનતું હોય છે. અલબત્ત અહીં સો મણ નો સવાલ એ છે કે નોટિસ અપાઇ છે તો ક્યાંકને ક્યાંક કાયદા-નિયમનો ભંગ થયો જ હોય પરંતુ નોટિસ આપ્યા પછી કોઇ પગલાં ન લેવાય તો તે બાબત શંકાસ્પદ છે.



વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કાર્યવાહી શરૂ કરી છે દરમિયાન આ મામલે એસ્ટેટ વિભાગ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામો સામે અપાતી નોટિસ મામલે એવા મતલબનો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે બે ટીમની રચના કરશે જેમાં નોટિસનું મોનીટરીંગ એક જ ટીમ કરશે અને નોટિસના ફોલોઅપ માટે એક અલગ ટીમ બનાવાશે. અમદાવાદ કોર્પોરેશનના ભાજપના શાસકોએ લીધેલા ઉપરોક્ત નિર્ણયને ખરા અર્થમાં રાજ્યની અન્ય તમામ મહાનગરપાલિકાઓએ અનુસરવા જેવું છે. નોટિસ આપનાર સાથે સાંઠગાંઠ હોય તેવા કિસ્સામાં નોટિસ અપાયા બાદ કોઇ કાર્યવાહી કરાતી નહીં હોવાનું ધ્યાને આવતા હવેથી નોટિસ આપનાર અલગ ટીમ, નોટીસનું મોનીટરીંગ કરનાર અલગ ટીમ અને નોટિસનું ફોલો અપ લેનાર ટીમ અલગ રહેશે જેથી કોઇ એક સાથે મિલીભગત હોય તો પણ થવા પાત્ર કાર્યવાહી થઇને જ રહે અને પરિણામલક્ષી અમલીકરણ થશે.


બીજીબાજુ રાજકોટ મહાપાલિકાની વાત કરીએ તો અહીં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ, એસ્ટેટ બ્રાન્ચ અને દબાણ હટાવ શાખા જેવી ત્રણ ત્રણ અલગ અલગ સ્વતંત્ર કાર્યક્ષેત્ર ધરાવતી શાખાઓ છે તો પણ ગેરકાયદે બાંધકામ અને દબાણો મામલે અમદાવાદ જેવી કાર્યવાહી રાજકોટમાં થતી નથી. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ ફક્ત નોટિસો આપવાનું કામ કરે છે, એસ્ટેટ બ્રાન્ચ ફક્ત હોર્ડિંગ અને મ્યુનિ.સંકુલોની રખેવાળી કરે છે અને દબાણ હટાવ શાખા ફક્ત રેંકડી કેબીનો જપ્ત કર્યા કરે છે. આ ત્રણેય શાખાઓ વચ્ચે સંકલન અભાવે દબાણકર્તાઓને મોકળું મેદાન મળી જાય છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં હજારો ગેરકાયદે બાંધકામોને નોટિસ અપાઇ છે પરંતુ તેમાંથી ડિમોલિશન કેટલા બાંધકામોનું થયું ? તે સવાલનો જવાબ કોઇ પાસે નથી !! રાજકોટ ભાજપના શાસકોને યોગ્ય જણાય તો અમદાવાદના શાસકો જેવો નિર્ણય કરવા જેવો ખરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application