એશિયન ગેમ્સમાં ૪૧ વર્ષે દેશને ગોલ્ડ અપાવનાર ઘોડેસવારોને કેમ જવું પડ્યુ વિદેશ ?

  • September 27, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવ્યકૃતિ, હૃદય, અનુષ અને સુદીપ્તીએ વિદેશમાં આકરી તાલીમ લઇ ઇતિહાસ રચ્યો


એશિયન ગેમ્સમાં ઘોડેસવાર ટીમે ડ્રેસેજ ઈવેન્ટમાં ચીન અને હોંગકોંગને પાચલ છોડી ૪૧ વર્ષે દેશને અપાવ્યો ગોલ્ડ



દિવ્યકૃતિ સિંહ, હૃદય છેડા, અનુષ અગ્રવાલ અને સુદીપ્તી હજેલાની ભારતીય ઘોડેસવારોની ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩માં ઈતિહાસ રચ્યો હતો. તેમણે ગોલ્ડ મેડલ જીતીને ભારતની ગોલ્ડ મેડલ માટેની ૪૧ વર્ષની રાહનો અંત લાવ્યો છે. પરંતુ આ ગોલ્ડ મેળવવાનો માર્ગ સરળ ન હતો કારણ કે ભારતીય ટીમમાં સમાવિષ્ટ ચારેય ઘોડેસવાર વર્ષોથી વિદેશમાં સખત તાલીમ લઈ રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી અને પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા છે.  


ચીન અને હોંગકોંગને પાછળ છોડીને, ભારતીય ચોકડીએ ચીન (૨૦૪.૮૮૨%) અને હોંગકોંગ (૨૦૪.૮૫૨%)ને પાછળ છોડીને ૨૦૯.૨૦૫% સ્કોર કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે છેલ્લે નવી દિલ્હીમાં ૧૯૮૨ એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ૪૧ વર્ષ બાદ ૨૦૨૩માં ફરી આ જીત ભારતના નામે થઇ છે.


આ ખેલમાં ઘોડાઓ શાંત સ્વભાવના હોય છે, ઘોડેસવારો સામાન્ય રીતે તેમના સાથી તરીકે વોર્મબ્લડ જાતિના ઘોડાઓનો ઉપયોગ કરે છે. આ મધ્યમ વજનના ઘોડાઓ શાંત સ્વભાવ ધરાવે છે પરંતુ ખૂબ જ કેન્દ્રિત હોય છે. ડ્રેસેજ ગેમ કે જે ઘોડેસવારનું એક સ્વરૂપ છે, તે પ્રાચીન ગ્રીસમાં યુદ્ધ માટે ઘોડાઓને તાલીમ આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. ૬૮૦ બીસીની આસપાસથી આ રમત રૂપમાં રમાય છે. ૧૯૦૦ની પેરિસ ઓલિમ્પિકમાં આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.




ભારતમાં સુવિધાઓના અભાવે વિદેશ ગયા હોર્સરાઈડર્સ


એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય અશ્વારોહણ ટીમના ચાર સભ્યો લાંબા સમયથી વિદેશમાં તાલીમ લઈ રહ્યા છે કારણ કે ભારત પાસે આ ખેલ માટે અત્યાધુનિક સુવિધાઓ નથી. અનુષ જર્મનીમાં તાલીમ લઈ રહ્યો હતો જ્યારે સુદીપ્તી હજેલા ફ્રાન્સમાં તાલીમ લઈ રહી હતી. જ્યારે દિવ્યકિર્તિએ નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઓસ્ટ્રિયા અને અમેરિકામાં તાલીમ લીધી છે. હૃદયે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ સિવાય યુરોપના ઘણા દેશોમાં તાલીમ લીધી છે.


એશિયામાં દિવ્યકૃતિ સિંહ નંબર વન પર

જયપુરની ૨૪ વર્ષીય દિવ્યકૃતિ માર્ચ ૨૦૨૩માં બહાર પાડવામાં આવેલી રેન્કિંગમાં એશિયામાં ટોચ પર હતી. ધ પેલેસ સ્કૂલ, જયપુરમાં અભ્યાસ પૂરો કર્યો હતો, જ્યારે તે સાતમા ધોરણમાં હતી ત્યારે તેણે ઘોડેસવારી શરૂ કરી હતી. દિવ્યકૃતિએ જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હીમાંથી ડિગ્રી લીધી. આ સમયગાળા દરમિયાન પણ તે ટ્રેનિંગ માટે યુરોપ જતી રહી હતી. એશિયન ગેમ્સમાં જતા પહેલા તેણે તેના મેડલ જીતવાનું વચન આપ્યું હતું અને અંતે તેણે ગોલ્ડ મેડલ જીતીને પોતાના દેશવાસીઓને આપેલું વચન પાળ્યું.


૬ વર્ષની વયેથી સુદીપ્તીએ શરુ કરી હતી ઘોડેસવારી

ઈન્દોરની રહેવાસી સુદીપ્તી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમની સૌથી નાની વયની ખેલાડી છે. સુદીપ્તી જ્યારે માત્ર છ વર્ષની હતી ત્યારે ઘોડેસવારી શરૂ કરી હતી. આ પછી તેનો આ રમત અને ઘોડા પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો કે તે તેના ઘોડાને તેનો "બેસ્ટ ફ્રેન્ડ" માને છે. સુદીપ્તીએ પ્રથમ જુનિયર ઘોડેસવાર છે જેને મધ્યપ્રદેશ સરકાર દ્વારા અસાધારણ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત એકલવ્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેણીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ૫૦ થી વધુ મેડલ જીત્યા છે. વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનું સન્માન કર્યું છે.



અનુષની કારકિર્દીમાં માતાનું મહત્વનું યોગદાન

અનુષ અગ્રવાલા, જે કોલકાતાનો વતની છે, તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં થોડા જ અંતરથી ચૂકી ગયો હતો. પરંતુ તેણે હિંમત હારી નહીં અને સખત મહેનતના કારણે એશિયન ગેમ્સમાં સ્થાન મેળવ્યું. અગ્રવાલને ઘોડેસવાર બનાવવામાં તેની માતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની માતાએ તેને છ વર્ષની ઉંમરે ઘોડેસવારીનો પરિચય કરાવ્યો હતો. અનુષે ઓલિમ્પિક ચેમ્પિયનને પોતાનો ગુરુ બનાવ્યા છે, તે છેલ્લા ૬ વર્ષથી જર્મનીના ૬૩ વર્ષીય પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન હુબર્ટસ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે.



૧૦ વર્ષ વિદેશમાં સખત મહેનત કરી હૃદય છેડાએ અપાવ્યું દેશને ગૌરવ

પુણેના રહેવાસી હૃદય છેડાએ માત્ર છ વર્ષની ઉંમરે ઘોડેસવારી શરૂ કરી હતી. ૨૦૧૫માં નેશનલ ચેમ્પિયનશિપ જીતનાર હૃદયે છેલ્લા ૧૦ વર્ષમાં યુરોપના ઘણા દેશોમાં પોતાની કુશળતાને નિખારવા માટે તાલીમ લીધી છે. આ સમય દરમિયાન, તેણે લંડન યુનિવર્સિટીમાંથી બિઝનેસ અને મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો. ૨૦૨૩માં તે એશિયન ગેમ્સની તૈયારી માટે ફ્રાન્સ ગયો હતો. મુંબઈ, પૂણે અને પુડુચેરીમાં યુવા ઘોડેસવારોને હૃદય મદદ કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application