ગુજરાતના દરિયાકાંઠે મળી દુર્લભ ધાતુ વેનેડિયમ, ખંભાતના અખાત માંથી લેવાયા 69 નમૂના

  • September 18, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નર્મદા અને તાપી નદીના કાંપને કારણે આ ધાતુ અખાતમાં હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ

ભારતમાંથી ઓફશોર કાંપમાં વેનેડિયમની હાજરીનો આ પ્રથમ અહેવાલ : બી ગોપકુમાર




ગુજરાતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર જિલ્લા તેમ જ સુરત જિલ્લા વચ્ચે આવેલા ખંભાતના અખાત માંથી દુર્લભ ધાતુ મળી આવી છે. આ અખાત ૧૩૦ કિલોમીટર લાંબો છે અને, સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે.


ખંભાતના અખાતમાંથી એકત્રિત કરવામાં આવેલા કાંપના નમૂનાઓ માંથી વેનેડિયમ મળી આવ્યું છે, જે ઘણા ઔદ્યોગિક કાર્યક્રમો માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે. આ શોધને મહત્ત્વની બાબત એ છે કે સ્ટીલને મજબૂત કરવા અને બેટરી બનાવવા માટે વપરાતું આ ખનિજ ભારતમાં દુર્લભ છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ, જે કાંપનું સંશોધન કરે છે, તેણે વેનેડિયમના સંભવિત નવા સ્ત્રોતની જાણ કરી છે. "નેચર" જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં જીએસઆઈ, મેંગલોરના મરીન એન્ડ કોસ્ટલ સર્વે ડિવિઝનના સંશોધક બી ગોપકુમાર કહે છે કે, "ભારતમાંથી ઓફશોર કાંપમાં વેનેડિયમની હાજરીનો આ પ્રથમ અહેવાલ છે."


આ ખનીજ ભાગ્યે જ પ્રાકૃતિક રીતે તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે, વેનેડિયમ ૫૫ થી વધુ વિવિધ ખનિજોમાં અસ્તિત્વ ધરાવે છે, જે તેને ઉત્પાદન માટે ખર્ચાળ બનાવે છે. ખંભાતના અખાતમાં, તે ટાઇટેનોમેગ્નેટાઇટ નામના ખનિજમાં મળી આવ્યું છે, જે પીગળેલા લાવા ઝડપથી ઠંડો થવા પર રચાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ખંભાતના અખાતમાં વેનેડિફેરસ ટાઇટેનોમેગ્નેટાઇટનો ભંડાર સંભવતઃ ડેક્કન બેસાલ્ટમાંથી મુખ્યત્વે નર્મદા અને તાપી નદીઓના કારણે આવ્યો હશે. વૈજ્ઞાનિકોએ ખંભાતના અખાતમાં કાંપમાંથી ૬૯ નમૂના એકત્ર કર્યા છે.



ડીફેન્સ અને એરોસ્પેસ સેક્ટર માટે મહત્વપૂર્ણ ખનીજ

સંરક્ષણ અને એરોસ્પેસ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે વેનેડિયમ એક મહત્વપૂર્ણ કાચો માલ છે. ઉદાહરણ તરીકે, વેનેડિયમ ધરાવતા ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમના એલોયનો ઉપયોગ જેટ એન્જિનના ઘટકો અને હાઇ-સ્પીડ એરફ્રેમ્સમાં થાય છે. ઉપરાંત, આ ધાતુનો ઉપયોગ ઊર્જા સંગ્રહ અને મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઘટકો બનાવવામાં પણ થાય છે. તેનો ઉપયોગ એલોય બનાવવા માટે થાય છે જે કાટ અને ઊંચા તાપમાને પ્રતિરોધક હોય છે. તેનો ઉપયોગ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી બનાવવા માટે પણ થાય છે, જે મોટા પાયે ઊર્જા સંગ્રહ માટે વપરાય છે. આ દુર્લભ ધાતુના નિશાન અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application