રાજકોટ એસટી બસપોર્ટમાં વેકેશનનો ધૂમ ટ્રાફિક નીકળ્યો; દૈનિક આવક રૂ.૬૦ લાખ

  • May 03, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળાઓમાં વેકેશન પડતાની સાથે જ રાજકોટવાસીઓ સહપરિવાર ફરવા ઉપડવા લાગ્યા છે. લોકલથી લઈને એક્સપ્રેસ રૂટની તમામ બસમાં ચિક્કાર ટ્રાફિક નીકળ્યો છે, એડવાન્સ બુકિંગ કરાવ્યું ન હોય તો બસમાં જગ્યા મળવી મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
​​​​​​​
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.ક્લોતરાએ જણાવ્યું હતું કે દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવરજવર ધરાવતા રાજકોટ એસટી બસ પોર્ટમાં હાલ વેકેશનનો ધૂમ ટ્રાફિક નીકળ્યો છે. રાજકોટ બસ પોર્ટ ઉપરાંત ડિવિઝન હેઠળ ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપોમાં ખૂબ ટ્રાફિક રહેતા હાલ ડિવિઝનની દૈનિક આવક રૂ.૫૦ લાખથી વધીને રૂ.૬૦ લાખે પહોંચી છે. રોજિંદી બસ સેવાઓ ઉપરાંત જે કોઈ રૂટ ઉપર વિશેષ ટ્રાફિક રહેતો હોય, બસ ફ્રિકવન્સી ઓછી હોય તેવા રૂટ તેમજ ફરવાલાયક સ્થળો દ્વારકા, સોમનાથ, દિવ, કચ્છ-ભુજ વિગેરે રૂટ ઉપર જરૂરિયાત અનુસાર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે.

કટકી કરતા ૪ કંડકટર, ટિકીટ વગર ૨૬ મુસાફરો ઝડપાયા 
રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા વેકેશનના ટ્રાફિકનો લાભ લઇ કટકી કરતા ચાર બસ કંડકટર ઝડપાયા હતા જેને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે ટિકિટ વિના બસમાં મુસાફરી કરતા ૨૬ મુસાફરો ઝડપાયા હતા. તદ્દઉપરાંત અન્ય વિવિધ પ્રકારની ગેરશિસ્ત, અનિયમિતતાઓ, નિયમભંગના ૪૮ કેસ મળ્યા હતા. આ મુજબ કુલ ૭૮ કેસ કરી રૂ.૭૩૯૫નો દંડ વસુલ્યો હતો.

એસટી બસના મુસાફરોને છીનવી જતા ૧૦૧ વાહનો ડિટેઇન, ૩.૯૦ લાખનો દંડ
રાજકોટમાં વેકેશનના ટ્રાફિકનો લાભ લઇને એસટી બસના મુસાફરોને છીનવી જતા ૧૦૧ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરાયા હતા અને કુલ રૂ.૩,૯૦,૬૨૫નો દંડ કરાયો હતો. જ્યારે અન્ય ૫૧ વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં બસપોર્ટ વિસ્તાર, ગ્રીન લેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, આજી ડેમ ચોકડી, માધાપર ચોકડી વિસ્તારમાં એસટી ડિવિઝન દ્વારા પોલીસ તંત્ર તેમજ આરટીઓ વિભાગના સ્ટાફનીની મદદથી કાર્યવાહી કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application