ચૈત્રમાં માવઠુ: કાલાવડ, જામજોધપુર, લાલપુર અને ખંભાળીયામાં જોરદાર ઝાપટા

  • March 23, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો: ઘઉં, ચણા, જીરૂ, મરચા અને મેથીના પાકને ભારે નુકશાન: હાલારના વાતાવરણમાં ઠંડક: હજુ બે દિવસ માવઠાની આગાહી

ચૈત્ર માસની શરૂઆતમાં જ જાણે કે ઉનાળાની સિઝન કટ્ટ થઇ ગઇ હોય અને ચોમાસુ બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે હાલારમાં ગઇકાલે જામજોધપુર પંથક તેમજ લાલપુર, ખંભાળીયા અને કાલાવડના ગામડાઓમાં વરસાદના ભારે ઝાપટા પડયા હતાં, હજુ બે દિવસ સુધી ૪૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાશે અને વાતાવરણમાં બદલાવ આવશે તેવી હવામાન ખાતાની આગાહીથી ખેડુતોના જીવ પડીકે બંધાયા છે. ચણા, ઘઉં, મરચા, મેથી અને જીરાના તૈયાર થયેલા પાકને કેટલાક ગામડાઓમાં માવઠાથી ભારે નુકશાન થયું છે.


જામજોધપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, જામજોધપુરની આજુબાજુના ગામડાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડયા હતાં અને આજુબાજુના ગામડાઓમાં ૫ થી ૧૦ મીમી વરસાદ પણ પડયો હતો, રસ્તાઓ ભીના થયા હતાં, ખેતરમાં રહેલો પાક ભીનો થઇ ગયો હતો, આમ જામજોધપુર પંથકમાં ફરીથી માવઠાએ ખેડુતોને પાયમાલ કરી દીધા છે. 


કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે બપોર બાદ નિકાવા, આણંદપર, વડાળામાં અવારનવાર વરસાદના ઝાપટા પડયા હતાં, કેટલોક પાક પલળી ગયો છે, ડુંગળી અને બટાકાના પાકને ભારે નુકશાન થયું છે, રસ્તા ઉપર પાણી ફરીવળ્યા હતાં, ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. 


ખંભાળીયા પંથકમાં સતત પાંચમાં દિવસે કેટલાક ગામોમાં ભારે ઝાપટા પડયા હતાં, ખેડુતોનો માલ પણ પલળી ગયો હતો અને પડયા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાયો હતો, કેટલાક ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે ચૈત્ર માસમાં માવઠુ થયું હતું જયારે લાલપુર પંથકમાં ફરીથી ગઇકાલે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને આજુબાજુના ગામડાઓમાં ચોથા દિવસે પણ થયેલા માવઠાને કારણે ઘઉં, જીરૂ અને મરચાનો પાક ભીનો થઇ ગયો હતો. 


રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે ખાસ કરીને દરિયાઇ પટ્ટી ઉપર આવતા ગામોમાં ભારે પવન ફુંકાશે અને તેની ઝડપ ૪૦ કિ.મી. પ્રતિકલાક રહેવાની શકયતા છે, કેટલાક ગામોમાં વરસાદ પણ પડશે જેને કારણે ખેડુતોએ સાવધાની રાખવી જરૂરી છે. જામનગર શહેરમાં પણ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું, જો કે વરસાદ આવ્યો ન હતો. આમ, હાલારના ગામડાઓમાં ફરીથી ચૈત્ર માસમાં ચોમાસા જેવો વાતાવરણ સર્જાયું હતું અને ખેતીના પાકને ભારે નુકશાન થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application