IPLમાં રજાના નામે બુકીને લાખોમાં કાપ્યો, હવે હિસાબો, હવાલા ફસાવ્યા!!

  • June 07, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મધ્યેના પોલીસ ચોકી વિસ્તારમાં ફોજદાર, કોન્સ્ટેબલની કરામત, વલણ ઉપર ન પહોંચ્યું?
બુકીના આઈડીમાં શોખીન પોલીસમેન ડમી નામે લાખોનું રમી પણ ગયાની ચર્ચા, ભાંડો ફટવાના ડરે બન્નેએ બુકીના લેપટોપ, મોબાઈલ, હવાલા નોટ કબજે કરી લીધા, મામલો એક પોલીસ મથકમાં ગાજે છે હવે પીઆઈ કે ઉપરી પર મદાર જેવું




રાજકોટ શહેર મધ્યેના પોલીસ મથકના ચોકી વિસ્તારમાં પીઆઈ કે ઉપરીઓને અંધારામાં રાખી ફોજદાર, વહિવટદાર પોલીસમેને આઈપીએલમાં રજા (મંજૂરી)ના નામે બુકીને લાખોમાં કાપી નાખી, બુકીની આઈડીમાં લાખોની હારજીત પણ કરી ભાંડો ન ફટે તે માટે યુવાન બુકીના લેપટોપ, મોબાઈલ, હવાલા નોટ સહિતનું સાહિત્ય પણ બારોબાર કબજે કરી લીધાનો મામલો સંબંધિત પોલીસ મથક સુધી પહોંચ્યો કે ગુંયો છે. હવે પીઆઈ કે ઉપરી અધરોઅધર લાખો લેનારા ફોજદાર, પોલીસમેનનો ઈલાજ, સજા કરશે કે? ચોર પે મોર જેવું થતાં પોલીસનું પગથીયું ચડેલા બુકીના ગળામાં ઉલ્ટો ગાળિયો આવશે? તેવુ જે તે પોલીસ મથક અને બુકી વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.





રાજકોટ શહેરમાં આ વખતની આઈપીએલ સિરીઝમાં સ્થાનિક લેવલે ઉચ્ચસ્તરીય લીલીઝંડી (બુકી–પોલીસના કોડવર્ડમાં રજા) નહોતી અપાઈ પરંતુ પોલીસ મથક વિસ્તારોમાં કેટલાકે પોતાના જોરે બેસવાની રજા આપી દીધી હતી. શહેરના મધ્યે સદરહુ ચોકી જેવા વિસ્તારમાં પીએસઆઈ તથા વહીવટ કુશળ પોલીસમેન કે જે અગાઉ બ્રાંચ પણ કરી ચૂકયા છે ડ્રગ્સમાં સારી ફાવટ પણ ધરાવે છે તેણે બન્નેએ મળી જુગાર ક્રિકેટ સટ્ટામાં ત્રણ પેઢીનો નાતો ધરાવતા બુકી પરિવારના એક યુવાન બુકીને પીઆઈ સાહેબ સાથે ઉપર વાત થઈ ગઈ છે કહી અધ્ધરોઅધ્ધર રજા આપી દીધી હતી અને સિઝન દરમિયાન મામા–પુત્ર બુકી પાસેથી કટકે કટકે રજાના (મંજૂરીના નામે) ૧૭ પેટી જેવું ખંખેયુ હતું.



ત્રણ અક્ષરનામધારી યુવા બુકી વિશ્ર્વાસ કે જાસામાં આવી જતાં રમવાના શોખીન વહીવટદાર એ પોલીસમેને બુકીના માસ્ટરમાં રમવાનું પણ ચાલુ કર્યુ હતું. કહેવાય છે કે, ડમી નામની બુકી પાસે આઈડી બનાવડાવી પોલીસમેને બે આંકડામાં લાખેણી હાર હતી. બુકીએ પોલીસમેન પાસે લાખોની ઉઘરાણી કરી હતી જો પોલીસમેન ના કહેતો પણ ફસાય કારણ કે બુકીએ પોલીસમેનના કહેવાથી જ ડમી નામે આઈડી ખોલી હતી. આ વાત બુકી અને એ પોલીસમેન સારી પેટે જાણતા પણ હતા. સોદા વલણ બધુ બુકીના લેપટોપ, તેમજ બન્ને વચ્ચેની વાતચીતની ચેટ મોબાઈલમાં હતી. લાખો રૂપિયા દેવા પડે તેવી પોલીસની સ્થિતિ ઉદભવી હતી.
એક પૂર્વ ક્રિકેટર જેવું નામ ધરાવતા એ પોલીસમેન અને યુવા બુકી બન્નેના કોમન ફ્રેન્ડ, કે પરિચિત વ્યકિત કે જેનું મ પવન કે હવાકા ઝોકા જેવુ પણ અક્ષરનું છે ત્યાં બુકીના માસ્ટર આઈડી સાથેનું લેપટોપ, મોબાઈલ અને હવાલાનોટ પડયા હતા. લાખેણી રકમ બુકીને ન ચૂકવવી પડે અથવા તો ચેટમાં ન ફસાય કદાચ એવા ઈરાદે પોલીસમેન યુકિત–પ્રયુકિત વાપરીને કે લાવો એ ફલાણા ભાઈનું છે તો હું તેને જ આપી દઈશ કહીં ત્રણેય વસ્તુઓ ત્યાંથી પોતાના કબજામાં એકાદ મહિના પૂર્વે લઈ લીધી હતી.



હિસાબોનું લેપટોપ, લાખોની બેલેન્સ સાથેની માસ્ટર આઈડી, મોબાઈલ પોલીસમેન લઈ ગયાની યુવા બુકીને ખબર પડતા તેણે સાહેબ પાસે છે એક બે દિવસમાં આપશે કહીંને ટપ્પા પાડયે રાખતો બુકી પણ આઈપીએલના છેલ્લા દિવસો સિઝન હોય અને માસ્ટર આઈડી જ ફસાતા મુંઝાયો હતો અને સીધો એ પીઆઈને પણ ઓળખતો હોવાથી પીઆઈ પાસે જ પહોંચી ગયો હતો.





વારંવાર કહેવા છતાં આજે આવું કાલે આવુંનું કે સાહેબ પાસે છે આવે એટલે પોલીસમેન પરત ન કરતો હોવાથી યુવા બુકીએ પીઆઈને પણ ઓળખતો હોવાથી સીધો ત્યાં જ જઈ ચડયો હતો. પીઆઈ પણ એ બુકીની વાત સાંભળીને ચોંકી ઉઠયા હતા કારણ કે રજાની યાદીમાં એ યુવા બુકીનું નામ જ નહોતું. બુકીએ તો રજાના આટલા આપ્યાની અને ઉપરીઓથી લઈ નીચે સ્ટાફ સુધી બધાને દેવાના નામે બન્ને લઈ જતાં હોવાની વાત પીઆઈને કરી હતી. પીઆઈ સુધી મામલો પહોંચતા ફોજદાર અને એ પોલીસમેન બન્ને રજા પર ચાલ્યા ગયા હોવાની વાત છે અને એ પીઆઈ પણ બદલાઈ જતાં સમગ્ર મામલો નવા પીઆઈના દરબારમાં આવ્યો છે.





ઉપરીઓને અંધારામાં રાખી રજા આપનારા ત્રણ અક્ષરધારી ફોજદાર અને પૂર્વ ક્રિકેટર જેવું નામ ધરાવતા એ પોલીસમેન સામે ગાજ વરસશે કે બન્ને સામે પોલીસનું કુણુ ભીનુ સંકેલવાનું વલણ રહેશેને બુકીનું ભરત ભરાશે? તેવી બુકી આલમ તેમજ વાતો જાણતા પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. શું આ મામલો હજી પોલીસ મથક સુધી છે કે ત્યાંથી ઉપરીઓના ધ્યાન પર પણ પહોંચ્યો છે? બુકી આલમમાં થતી ચર્ચા મુજબ ફસાયેલો બુકી પોતાનું જો સમુસૂતરૂ નહીં ઉતરે તો પોતાનું જે થવુ હોય તે થાય પણ ઉપર સુધી જવાના મુડમાં છે. હાલતો ઉપરોકત તમામ વાતો જો અને તો જેવી છે કારણ કે કયાંક ઓનપેપર નથી આવ્યું કે અત્યારે જાણકારો મોં ખોલવા તયાર નથી માટે હાલતો અફવા કે ચર્ચારૂપ જ સમજવું રહેવું.



પોલીસમેન સાથે ઓનલાઈન નાણાકીય વ્યવહાર બુકી દ્રારા થયાની વાત!!
આઈપીએલમાં રજા આપનાર ફોજદાર અને પોલીસમેન બન્ને જ જાણતા હતા કારણે ઉપરીઓને કે સંબંધિતોને કાંઈ અપાતું ન હતું. વહીવટ પોલીસમેન સાથે થતો રોકડ, આંગળિયા હવાલા ઉપરાંત સંબંધો, વિશ્ર્વાસ દ્રારા થઈ જતાં બિંદાસ્ત બનીને પોલીસમેને બુકી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર નાણાકીય વ્યવહારો પણ કર્યાની વાત છે, પોલીસ નાણા લેવામાં ખચકાતી ન હોય તેમ તાલુકા પોલીસ મથકમાં પણ એક તબીબને કારમાં પકડતાં પીસીઆર ચાલકે પોતાના એકાઉન્ટમાં જ ડાયરેકટ ગુગલ પે પણ કરાવી લીધાની ચર્ચા જાગી હતી.



સદનસીબે બુકીને એ એરિયાની પોલીસ અડકી નહીં'ને બન્નેની ગાજરની પીપુડી વાગ્યે રાખી!!
બુકીને જે ચોકી એરિયામાં કથિત રજા અપાઈ હતી એ એરિયાના પોલીસ મથકની પોલીસ કયારેય બુકીના એ સ્થળે આઈપીએલ સિઝન દરમિયાન પહોંચી ન હતી. જેથી રજા આપનાર ફોજદાર અને એ પોલીસમેનની ગાજરની પીપુડી પણ વાગ્યે રાખી હશે. કયારેક અન્ય કોઈ જઈ ચડયું હશે તો બુકીએ તેની રીતે વ્યવહાર સાચવી લીધા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application