જામનગર ટ્રીબ્યુનલ દ્વારા યુવાનને ઇજા બદલ વ્યાજ સહિત રૂ. ૪૦ લાખનું વળતર

  • January 20, 2023 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની હકીકત એ પ્રકારે છે કે જામનગરમાં ગુલાબનગરની સીન્ડીકેટ સોસાયટી રહેતા ૨૧ વર્ષના યુવાન કપીલ ધીરજલાલમારુ તા. ૩-૧૨-૨૦૧૧ના રોજ તેના ભાઇના બાઇકમાં પાછળ બેસી જામનગર તરફ આવતા હતા ત્યારે ગુલાબનગર જકાતનાકા પાસે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી બાઇકને ઠોકરે મારતા અકસ્માત સર્જેલ હતો જેમાં આ યુવાન કપિલ મારુને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ હતી. અને તુરંત તેને પ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટની વોકહાર્ડ હોસિપટલમાં દાખલ કરતા માથાના ભાગે ફેકચરના ઓપરેશન કરેલ હતું, અને ત્યારબાદ પણ સતત તેની સારવાર ચાલુ હતી પરંતુ તેમાં રીકવરી થયેલ નહીં અને તે સ્વતંત્ર રીતે ભવિષ્યમાં કંઇપણ કામગીરી કરી શકે તેવી  સ્થિતિમાં રહેલ ન હતાં.


આવા સંજોગો અન્વયે કપિલ મારુના પિતા ધીરજલાલ મારુએ પોતાનો યુવાન પુત્ર કે જે એમ.એસ.સી.માં અભ્યાસ કરતો હતો અને તેજસ્વી કારકીર્દી બનાવી શકત અનેફાર્મા કંપનીમાં સારી નોકરી મેળવી શકત પરંતુ આ અકસ્માતથી તેનું ભવિષ્યનું જીવન યાતનામાં થઇ ગયું હોવાનું અને કાયમી રીતે કંઇપણ આવક કમાઇ શકે તેવી સ્થિતિમાં આવી ગયાનું જણાવી આ અકસ્માત બદલ ઇજાઓ સારવાર ખર્ચ કાયમી રીતે આવકની નુકશાની વિગેરે બધુ મળી કુલ રૂ. ૪૦ લાખનું વળતર મળવા જામનગર કોર્ટમાં વળતર અરજી રજુ કરેલ હતી.


આ કેસ ચાલતા દરમ્યાન વોકહાર્ડ હોસ્પિટલ દ્વારા તેને મેડીકલી ૪૫ ટકા ડીસએબલમેન્ટનું સર્ટીફીકેટ આપેલ હતું, પરંતુ તેમ છતાં અરજદારની રીયલ પોઝીશન અને આજીવન કંઇપણ કમાઇ શકે તેમ ન હોય તેને ૧૦૦ ટકા અર્નિંગ લોસ ઘ્યાને લઇ પુરું વળતર આપવું જોઇએ તેમ જણાવી તેના સમર્થનમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અરજદારનાં વકીલ દ્વારા દલીલો કરેલહતી, જે જામનગરના ટ્રીબ્યુનલ જજ મનીષભાઇ ચૌધરીએ ગ્રાહ્ય રાખી અરજદારને ઇજાઓ બદલ રૂ. ૨૦,૫૧,૦૦૦ નું વળતર તથા ૯ ટકા વ્યાજ સહિત ચુકાદાની તારીખે કુલ રૂ. ૪૦ લાખનું વળતર ચુકવી આપવા ટ્રકની વીમા કંપની સામે મહત્વનો ચુકાદો તા.૧૨-૧-૨૦૨૩ના રોજ જાહેર કરેલ છે. આ કેસમાં અરજદારો તરફે જામનગરના એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે ઇશાક કુરેશી તથા પુનમબેન પરમાર રોકાયેલ હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application