વિવાદિત નિવેદન આપ્યાના બીજા દિવસે જ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

  • March 24, 2024 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. આ ઉપરાંત જે નેતાઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે, તેઓ સતત અલગ અલગ સમાજના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સભાઓ કરી રહ્યા છે. 


આ વચ્ચે રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જો કે નિવેદન આપ્યાના બીજા જ દિવસે ક્ષત્રિય સમાજના રોષ બાદ તેમણે માફી માંગવાની ફરજ પડી છે. ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ  એક સભામાં આપેલા નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. 


આ નિવેદન અંગે આજે માફી માંગતા લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, "ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે, મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા નિવેદન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માગુ છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું."

​​​​​​​


પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, "અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા,  રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા."


તેમનું આ નિવેદન વાઇરલ થતાં જ મોટો વિવાદ છેડાઈ ગયો હતો, કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનોએ આ તક ઝડપી અને તેમના પર ઘણા આક્ષેપ પણ કર્યા છે. નિવેદન અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, મત માટે શું બોલવું અને શું ન બોલવું તેનું પરસોત્તમ ભાઈને ભાન રહ્યું નથી, તેઓ મત માટે ભીખમંગા થઈ રહ્યા છે અને રાજપૂતોએ દેશ માટે શું કર્યું છે તેની તમને ખબર હોવી જોઈએ, રાજપૂતોએ બલિદાન ન આપ્યું હોત તો તમે ખેડૂત પણ ન હોત, તેથી મારી માંગ છે કે પરસોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ જાહેરમાં માફી માંગે. જો તેઓએ માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજ તેમની સામે આંદોલન કરશે. 

આ ઉપરાંત ઘણા ક્ષત્રિય આગેવાનોએ પણ આ નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાને ટકોર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News