કમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે

  • May 15, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર પંથકમાં સૌથી વધારે વરસાદ થતા ડુંગળી, કેરી, લીંબુ અને તલના પાકને થતી સીધી અસર
   


કમોસમી વરસાદને લઈને ભાવનગર જિલ્લામાં ખેડૂતોના તૈયાર થયેલા પાક પર સીધી અસર થઈ છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને ઊઠેલી માંગ બાદ ભાવનગર  જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું છે તે સર્વે બાદ જાણવા મળશે.
ભાવનગરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદને પગલે બાગાયતી પાક સહિતના અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ૪.૫૦ લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે ત્યારે બાગાયત વિભાગે જણાવ્યું હતું કે,   અઠવાડિયામાં વરસાદ વધુ થયો છે. તેમાં પણ મહુવા, ભાવનગર અને સિહોર તાલુકામાં વધારે વરસાદ થયો છે. જેથી કેરી, લીંબુ અને તલના પાક ઉપર સીધી અસર થઈ છે. વરસાદને કારણે કેરીના પાકને ૧૦ થી ૧૫ ટકા નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં ૨૪,૦૦૦ હેક્ટર બાગાયત ખેતી થાય છે તેમાં ૪૦૦૦ હેક્ટરમાં કેરી, ૩૦૦૦ હેક્ટરમાં લીંબુ અને ૧૨૦૦ હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે. કેરી અને લીંબુનો પાક ખરવા લાગ્યો છે ત્યારે કેળને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સૂત્રોએ  જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને અગાઉથી સાવચેત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેડૂતોને જાણ  પણ કરવામાં આવી હતી કે, કાપણી લાયક પાક હોય તેની કાપણી કરી લેવી અને જે ખરામાં પડયો હોય તે માલને સારી જગ્યાએ એટલે કે સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો. 
આમ છતાં વરસાદમાં જે ઉભો પાક તૈયાર હતો એમાં બાજરી તલ વગેરેને નુકસાન થયું છે. જોકે હાલમાં અમે કમોસમી વરસાદને પગલે તાલુકા કક્ષાએ સર્વેની શરૂઆત કરી છે.  ઉનાળુ પાકનું વાવેતર જિલ્લામાં ૫૩ હજાર હેક્ટરમાં થયું છે. જેમાંથી માત્ર ૨૨,૦૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર છે. જયારે અન્ય બાજરી, તબ, અડદ, મગફળી વગેરે જેવા પાકોનું વાવેતર થયું છે. જેમાં કમોસમી વરસાદને લઈને નુકસાનનું અનુમાન લગાવવામાં આવી. રહ્યું છે પરંતુ સર્વે બાદ નુકસાન વિશે જાણી શકાશે તેમ  જિલ્લા ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application