સોમનાથ ચંદ્ર છે, જયારે નાગેશ્ર્વર સુર્ય છે: પૂ.મોરારી બાપુ

  • August 07, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ એ ચંદ્ર છે જયારે નાગેશ્ર્વર સૂર્ય છે, નાગેશ્ર્વર જયોર્તિલીંગ દેવભુમિ કૃષ્ણભૂમિ, પશ્ર્ચિમની પીઠ અને પુરીઓમાની પૌરાણીક નગરી દ્વારીકાથી કથાનો બારમો પડાવ વખતે પૂ.મોરારીબાપુએ કહ્યું હતું કે, પૂજા અભિષેક કરૂ છુ ત્યારે આ સમયે હું દુનિયાને યાદ કરૂ છું, દરેક જયોર્તિલીંગનો અલગ-અલગ એક મહીમા છે અને પોતપોતાનો પ્રકાશ પણ છે, કોણ વધારે કોણ ઓછુ એ કહેવું અપરાધ છે, આપણી ભૂમિ સાથે દ્વારકાનું જયોર્તિલીંગ અને સોમનાથનું જયોર્તિલીંગ જોડાયેલું છે અને બંનેની વચ્ચે બેઠેલા ભગવાન દ્વારકાધીશ છે, જેની ઘ્વજામાં ચંદ્ર અને સૂર્ય બંને છે તેમ ગઇકાલે સાંજે દ્વારકા ખાતે એક દિવસીય કથામાં જાણીતા રામાયણી કથાકાર પૂ.મોરારીબાપુએ શ્રોતાઓને સંબોધતા જણાવ્યું હતું. 


તેમણે કહ્યું હતું કે, અંદરનું સૌંદર્ય જયોર્તિલીંગના પ્રકાશથી પ્રગટ થાય છે, શિવ ખુબ જ સુંદર છે, માણસ જયારે સવારે અભિષેક કરવા આવે ત્યારે શિવ કહે છે કે તે મને શિષ ઝુકાવે છે ત્યારે આસુના બે બુંદ પડે છે તે મારો અભિષેક છે, સાંજે કામ કરીને આવે અને પરસેવાના બે બુંદ પડે એ પણ સાંજનો અભિષેક  છે, બાહ્ય સુંદરતા માટે મેકઅપ અને આંતરીક સુંદરતા માટે વેકઅપ જરૂરી છે, દ્વારકાના ભૂમિ શિવના સાપોની ભૂમિકા છે, અહીં સાપ કરડે તો ઝેર ચડતું નથી, આવતીકાલે કથા પુરી નહીં થાય, આ માત્ર એક પડાવ છે. 


પ્રસિદ્ધ રામકથાકાર પૂ.મોરારી બાપૂ દ્વારા પુરૂષોત્તમ માસ દરમ્યાન ભારતના બાર જ્યોતિર્લિંગ ખાતે એક એક દિવસની રામકથાનું આયોજન ચાલી રહયુ હોય તે અનુસંધાને તા.૦૬ ઓગષ્ટના રોજ દ્વારકાના નાગેશ્વર ધામ ખાતે રામકથા યોજાઈ ગયેલ. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા. પુરૂષોત્તમ માસના પવિત્ર દિવસોમાં ૧૦૦૮ યાત્રીકો સાથે બે ટ્રેનો મારફતે ભારત ભ્રમણ કરી દેશના બાર જ્યોતિર્લિંગ ખાતે પૂ.મોરારી બાપૂની રામકથા યોજાઈ રહી છે. પૂ.મોરારી બાપૂ દ્વારા કેદારનાથ જ્યોતિર્ણિંગથી શરૂ થયેલી બાર જ્યોતિર્લિંગમાં કથા યાત્રાનો સંઘ બાર હજાર કિમીનું અંતર કાપી દ્વારકા આવી પહોંચેલ.


ગઇકાલે બપોરે બે વિશેષ ગૌરવ યાત્રા ટ્રેનો મારફતે મોરારી બાપૂનો સંઘ દ્વારકા આવી પહોંચેલ. ત્યાંથી નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચેલ અને નાગેશ્વર દાદાને શિશ જુકાવી કથાનો પ્રારંભ કરેલ. પૂ.બાપુની એક દિવસીય રામકથામાં બહોળી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા અને કથાનું ભાવપૂર્વક રસપાન કરેલ. દેશના ૯ રાજયોમાં મુખ્ય ચાર ધામો પૈકી જગન્નાથપુરી, રામેશ્વરમ તેમજ પ્રમુખ તીર્થધામો તિરૂપતિ બાલાજી, કેદારનાથની યાત્રાઓ બાદ દ્વારકાપુરીમાં કથા યાત્રા પધારેલ હોય ત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દેવાધિદેવના વિશેષ શુંગાર મનોરથ તેમજ મહાઆરતી તથા પ્રસાદ યોજાઈ ગયેલ.


કથાના સમાપન બાદ પૂ.બાપુ દ્વારકા આવી પહોંચેલ અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવેલ. બાદમાં દ્વારકા શારદાપીઠ ખાતે જગતગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ચાતુર્માસ વ્રતાનુષ્ઠાનના કાર્યક્રમમાં હાજરી આપી પૂ.શંકરાચાર્યજી સાથે વિચારગોષ્ઠી કરેલ. બાદમાં પૂ.બાપુ તથા તેનો યાત્રા સંધ એક દિવસની અંતિમ જ્યોતિર્લિંગની કથા સોમનાથ ખાતે યોજનાર હોય તેથી બન્ને ટ્રેનો મારફત રાત્રિના સોમનાથ રવાના થયેલ. જ્યાં આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ૧ર જ્યોતિર્લિંગ કથાની પૂર્ણાહૂતિ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application