ગીરસોમનાથમાં સાગરીય તોફાન વચ્ચે વેરાવળ, સુત્રાપાડામાં સાંબેલાધાર ૯ ઇંચ વરસાદ

  • June 13, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તા.બીપરજોય વાવાઝોડાની આહટ વચ્ચે ગઈ કાલ  બપોરથી ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકાઓમાં ભારે પવન વચ્ચે સાર્વત્રિક બેથી નવ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ વેરાવળ, સુત્રાપાડા, સોમનાથમાં ૯ ઈંચ અને સૌથી ઓછો ગીરગઢડામાં બે મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લાની તમામ શાળાઓ આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લાનો દરીયો ગાંડોતુર હોવાથી સુત્રાપાડા પંથકના કાંઠાના ગામોમાંથી ૨૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. ગઈ કાલે  સવારથી વેરાવળ બંદર ઉપર ૩ નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવેલ છે.
​​​​​​​
બીપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે. જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવાને જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તથા તાલુકાવાર નિમણૂક કરાયેલા લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતા કહેલ કે, કોમ્યુનિકેશન વ્યવહાર ખોરવાય નહી તે માટેની વ્યવસ્થા અને દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા ,મેડિકલ ટીમ તથા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપી હતી. ઉપરાંત જિલ્લાના દરિયાકાંઠાના ગામોના આગેવાનો સાથે વાર્તાલાપ કરી જરૂરી સુચનાઓ આપી એલર્ટ રાખવા કોમ્યુનિકેશન જાળવવા સૂચના આપી હતી.વાવાઝોડાની આહટ વચ્ચે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ગઈ કાલ  બપોરથી પલટો આવ્યો હતો અને સુસવાટા મારતા પવન ફૂંકાવવાની વચ્ચે છએય તાલુકાઓમાં ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી. જિલ્લામાં સાબલેધાર વરસાદ વરસી ગયો હતો. જેમાં વેરાવળ સોમનાથમાં ૯ ઈંચ, સુત્રાપાડામાં ૯ ઈંચ, તાલાલામાં ૬ ઈંચ, ઉનામાં અઢી ઈંચ, કોડીનારમાં ૧૫ મીમી (અડધો ઇંચ), ગીરગઢડામાં ૭ મીમી વરસાદ વરસી ગયો હતો. વેરાવળ સોમનાથમાં પડેલ ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો, સોસાયટી વિસ્તારો, મુખ્ય બજારો અને રસ્તાઓ ઉપર ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તો જોડીયા શહેરમાં પડેલ ભારે વરસાદના પગલે રજા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application