સૌ. યુનિ. સેનેટની બાકી રહેલી તમામ ચૂંટણીઓ સ્થગિત

  • September 18, 2023 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની એક વર્ષના વિલંબ પછી છેલ્લા બે મહિનાથી તબક્કાવાર ચૂંટણીઓ યોજાઇ રહી છે. પરંતુ અત્યાર સુધી યોજાઈ ગયેલી ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો, કોર્પોરેટરો, પંચાયતોના પ્રમુખો અને અન્ય તમામ સભ્યોની મુદત હવે પાંચ વર્ષની નહીં પરંતુ માત્ર છ મહિનાની રહેશે તેવું નોટિફિકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યની 11 યુનિવર્સિટીઓ માટે જે ખાસ વિધેયક પસાર કરવામાં આવ્યું છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો પણ સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં હવે જે ચૂંટણી યોજાવાની છે તે યોજવાની થતી નથી તેવું સ્પષ્ટ માર્ગદર્શન સરકાર તરફથી આવી જતા યુનિવર્સિટીના સતાવાળાઓએ ચૂંટણીની પ્રક્રિયાને જે સ્ટેજ પર છે તે સ્ટેજ પર બ્રેક મારી દીધી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 50સેનેટ સભ્યો ચૂંટાયા છે. તેમાંથી કોંગ્રેસના 9 અને ભાજપ્ના 41 છે. આ તમામ સભ્યોની ટર્મ માત્ર છ મહિનાની રહેશે. આગામી દિવસોમાં આટ્ર્સ,કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, લો સહિતની જુદી જુદી ફેકલ્ટીઓની ચૂંટણીના જાહેરનામાઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને ફેકલ્ટીઓમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે. પરંતુ હવે લીલા તોરણે જાન પાછી વળે તેવો ઘાટ સર્જાવા પામ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માફક રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓમાં પણ મોટાભાગે ભાજપ્ના સભ્યો વધુ ચૂંટાયા હોવાથી સરકારનો આ નિર્ણય કોંગ્રેસ કરતા ભાજપ્ને વધુ નુકસાનકારક બની રહ્યો હોય તેવું જણાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application