સાંસદોને સસ્પેન્ડ કરવાને કારણે વિપક્ષી પાર્ટીઓના નેતાઓના મૌન પર ઉઠતા સવાલ

  • December 21, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળુ સત્ર દરમિયાન દેશની સંસદમાંથી ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેનાથી દેશનું રાજકારણ ગરમાયું છે. સરકારના આ વલણ પર તમામ વિરોધ પક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે. નારાજગીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે સંસદના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આમ છતાં ઘણા વિરોધ પક્ષો આ મુદ્દે મૌન જાળવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમનું મૌન પણ અનેક સવાલો ઉભા કરે છે.

મહત્વનું છે કે, સસ્પેન્ડ કરાયેલા તમામ સાંસદો વિરોધ પક્ષના છે. આવી સ્થિતિમાં આ કાર્યવાહીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, ટીએમસી સહિત તમામ મોટી પાર્ટીઓના નેતાઓએ આના પર સવાલો ઉઠાવ્યા છે અને તીખી પ્રતિક્રિયા આપી છે, તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી હજુ પણ મૌન છે. તેમણે આ કાર્યવાહી પર ન તો સવાલ ઉઠાવ્યા છે અને ન તો સોશિયલ મીડિયા કે પ્રેસ દ્વારા તેમના તરફથી કોઈ નિવેદન આપ્યું.
​​​​​​​

બસપા સુપ્રીમોના મૌન પર સવાલ

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં બસપા સાંસદ દાનિશ અલીનું નામ પણ સામેલ છે ત્યારે માયાવતીનું આ વલણ વધુ આશ્ચર્યજનક છે. આમ છતાં બસપા સુપ્રીમો માયાવતી કે તેમના ભત્રીજા આકાશ આનંદે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બસપાના સુપ્રિમો પણ આ મુદ્દે પોતાના સાંસદને સમર્થન આપતા હોવાનું જોવા મળતું નથી. જોકે, દાનિશ અલીએ પોતાના સસ્પેન્શનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.

દાનિશ અલીએ તેના સસ્પેન્શન અંગે કહ્યું હતું કે, "આ વિચિત્ર છે કે સ્પીકર કહે છે કે અમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે કારણ કે અમે સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. સરકારને પ્રશ્નો પૂછવા એ સંસદીય મર્યાદાના ઉલ્લંઘનની શ્રેણીમાં કેવી રીતે આવે છે?  જ્યારે ગૃહમાં ગાળો આપવામાં આવી ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન નથી થયું, એ સાંસદને ન તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી." વાસ્તવમાં, વિપક્ષી દળો સંસદમાં ઘૂસેલા બે હુમલાખોરોને લઈને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગતા હતા, તેના કારણે સદનમાં હંગામો મચી ગયો. ત્યારબાદ વિપક્ષના ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application