જામનગરના મોટા ઈટાળા ગામમાં વિજ્ઞાન જાથાની લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન મંગળ ગ્રહના અમંગળ ફળકથનો નર્યું તુત... વિજ્ઞાન જાથા
અવકાશી ગ્રહો માનવજીવનને નડતા નથી... જયંત પંડયા.
ભૂત, પ્રેત, ડાકણનું અસ્તિત્વ જ નથી. ગ્રામજનોને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું. જાથાનો ૧૦૦૩૪ મો લોકજાગૃતિ કાર્યક્રમ સંપન્ન.
અમદાવાદ : જામનગર જિલ્લાના મોટા ઈટાળા ગામમાં શ્રી લેઉઆ પટેલ સેવા સમાજ ધ્રોળ સંચાલિત શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય દ્વારા શિબિરમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અવકાશી ગ્રહો કદી માનવજીવન કે તેની દૈનિક ક્રિયામાં અવરોધક પરિબળ નથી. માનવીને પોતાનો અહંમ, પૂર્વગ્રહો નડે છે તેના ઉપર વિસ્તુત માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦૩૪ મો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન કોલેજના સંચાલક વિજયભાઈ મુંગરાએ કર્યું હતું. તેમણે અંધશ્રદ્ધાને દેશવટો આપવાની વાત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ વિજયભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ભંડેરી, ગણેશભાઈ મુંગરા, રતિભાઈ મુંગરા, કોલેજના આચાર્યા ડૉ. પ્રવિણાબેન તારપરા, ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રિન્સિપાલ ડૉ. પ્રવિણાબેન તારપરાએ શ્રદ્ધા, અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાની વાત કરી અનુભવે સાચું જ્ઞાન વિજ્ઞાન તરફ દોરી જાય છે. પુરૂષાર્થ, તર્કને પ્રાધાન્ય આપવાથી માનવીની પ્રગતિ થાય છે. મોટા ઈટાળા ગામની પસંદગી સાર્થકતા બતાવી હતી.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે વિજ્ઞાન જાથાએ ૩૨ વર્ષમાંથી ૪૦ થી વધુ વખત ભૂત-પ્રેત, ડાકણ, જીન્નાતની કહેવાતી હકિકત, ખ્વાબ તપાસવા ભારતભરમાં ભ્રમણ કરતાં આજ સુધી અસ્તિત્વ સંબંધી એકપણ સત્ય હકિકત પ્રકાશમાં આવી ન હતી. માનસિક ભ્રમણા કે માનવસર્જિત કાવત્રું સાબિત થયું હતું. તેથી ભૂત-પ્રેત, ડાકણ છે જ નહિં તેનો ડર કાઢી નાખવા અનુરોધ કર્યો હતો. પૃથ્વી ઉપર દેશ-વિદેશમાં ભૂત-પ્રેતની હકિકત દર્શાવતી ફિલ્મો કે સીરીયલો લેભાગુઓનું કમાવવાનું તર્કટ, કિમીયો છે. લોકોને હતાશા અને ભ્રમણા તરફ લઈ જવાનું દુષ્કૃત્ય છે તે કદી માફ કરવા લાયક નથી. બાળકોને ઉપજાવી કાઢેલી વાર્તાઓથી દૂર રાખવા જોઈએ. જાથાના મતે આસુરી, મેલીવિદ્યા, ઈલમ વિગેરે માત્ર ગપગોળા છે. માનસિક રીતે નબળા લોકો ઝપટમાં આવી જાય છે. પુન:જન્મ, પૂર્વજન્મ વિગેરે તપાસતા નક્કર પરિણામ આવ્યું નથી.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં મૃત્યુ પછીના શોકના દિવસો ટૂંકાવાની જરૂર છે. વરસી પછી શુભ કાર્ય થઈ શકે તે વર્ષો પુરાણો રિવાજ છે તેને તિલાંજલિ આપવી જોઈએ. મૃત્યુ પછીના કર્મકાંડ-ક્રિયાકાંડો સો ટકા નિરર્થક છે. તેને અનુસરવાથી લાભ કરતા નુકશાન થાય છે. વર્ષો જુની કથા વાર્તા ૨૧ મી સદીમાં અપ્રસ્તુત છે. ખોટી વાર્તા સાંભળવાથી માનસિક નબળા લોકોને અસર થાય છે તેથી બાળકોને દૂર રાખવા જોઈએ. મૃત્યુ
પામેલા પરિવારોને જ આઘાત હોય છે. બીજા સગાસંબંધી, મિત્રો આશ્વાસનના નામે દંભ-ડોળકરી સમયની બરબાદી કરે છે તેથી પરિવારે સ્તુત્ય નિર્ણય કરવો જોઈએ. મૃત્યુનું સનાતન સત્ય માની સંયમપૂર્વકના રિવાજ, નિયમોનું પાલન કરવું જોઈએ. આર્થિક ખાડામાં પરિવાર જતું નથી તેની સતત ચિંતા કરવી જોઈએ. મૃત્યુ પામેલા કદી નડતા નથી જીવતા નજીકના સગાસંબંધી- મિત્રો જ નડે છે તેનાથી સાવધાની રાખવા અપીલ કરી હતી.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે અવકાશી ગ્રહોને માનવજીવન સાથે સ્નાન-સુતક સંબંધ નથી. માનવે ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે. આવનારા દિવસોમાં મકાન બનવાના છે. લોકો માટે પર્યટન સ્થળ બનવાનું છે તેથી ગ્રહોની ચિંતા કર્યા વગર પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું જોઈએ. મંગળ ગ્રહ અમંગળ હોય શકે જ નહિ. કન્યાની કુંડળી વરપક્ષને આપવાનું બંધ કરો. મંગળવાળી કન્યા ખતરારૂપ છે તેના ફળકથનો લેભાગુઓના મનની ઉપજ છે. વર્ષોથી છેતરતા આવ્યા છે હવે જાગવાની જરૂર છે. ખગોળનું જ્ઞાન આવતા ગ્રહોનો ડર જતો રહેશે તેથી ઘરે ઘરે ટેલીસ્કોપ વસાવવા અનુરોધ કર્યો હતો. હજુ પણ હાથના આંગળામાં ગ્રહોના નંગની વીંટીઓ જોવા મળે છે તે દરિદ્ર માનસિકતા સાથે છીન્ન મનોવૃત્તિના દર્શન જોવા મળે છે. હાથ-કાંડામાં રક્ષાપોટલી, દોરા વિગેરે પછાતતાની નિશાની છે. આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ કેળવતા આપોઆપ સમસ્યાનો ઉકેલ આવી જશે. પોતાનો નિર્ણય જાતે જ કરવો. સફળતા-નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર છે તેનું મનોમંથન કરવાની જરૂર છે. ભારતમાં લોકોને ગ્રહો કરતાં જ્યોતિઓઓ -તાત્રિકો નડે છે તેનો ઉપાય કરવાની જરૂર છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ, જયોતિષશાસ્ત્ર, ટેરાશાસ્ત્ર, અંકશાસ્ત્ર, છાયાશાસ્ત્ર, હસ્તરેખા વગેરે અવૈજ્ઞાનિક અને કપોળ-કલ્પિત છે તેની હકીકતો માત્ર ને માત્ર ભ્રમણા અને નસીબ તરફ લઈ જનારી હોય તેનાથી દૂર રહેવું જોઈએ. જાથાએ ૨૦૦0 ઘરોનું સર્વેક્ષણ કરતાં વાસ્તુશાસ્ત્ર ખર્ચાળ અને અધોગતિને આમંત્રણ આપવાનું સાબિત થયું છે. આપણા પૂર્વજોએ કદી વાસ્તુશાસ્ત્રને અનુસરણ કર્યું નહોતું છતાં સુખી-સમૃદ્ધ હતા તે આપણે નજરે જોઈએ છીએ.
ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ, હાથ-માથા ઉપર દીવા રાખવા, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા, કર્ણપિશાચ વિદ્યા વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી વિજયભાઈ મુંગરા, આચાર્યા ડૉ. પ્રવિણાબેન તારપરા, પ્રોગ્રામ ઓફિસર પુનિતાબેન મછોયા, કૃપાલીબેન ગજેરા, છાત્રા લીડર દિયા ચાંગાણી, શ્રેયા ભંડેરી, ચાર્મી વસોયાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. પ્રયોગોમાં ભાગ લેનાર જાથાના વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, ભાનુબેન
ગોહિલ અને સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.
જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
હોટો તસ્વીર : મોટા ઈટાળા ગામમાં કાર્યક્રમનું ઉદઘાટન સંચાલક વિજયભાઈ મુંગરા કરે છે. બાજુમાં ગામના આગેવાનો સાથે જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે. વિવિધ પ્રયોગો અને ગ્રામજનો, છાત્રાઓ નજરેપડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech