યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં 'આપ' દ્વારા કલેકટર કચેરીમાં દેખાવો

  • April 24, 2023 03:50 PM 



રાજ્યને મદદ કરનારનું રક્ષણ કરવાના બદલે ભક્ષણનો માર્ગ છોડો, કેસ તાત્કાલિક પાછો ખેંચો, સીટ દ્વારા તપાસ કરો તેવી માગણી



પેપર લીક કૌભાંડ સંદર્ભે યુવરાજસિંહની ધરપકડનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચાર દેખાવ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને લખાયેલા આવેદનપત્ર ની નકલ કલેકટર કચેરીમાં આપવામાં આવી હતી.



આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યને મદદ કરનારનું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કરવાનો માર્ગ સરકારે છોડી દેવો જોઈએ. રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ નીવડી છે. પેપરો ફૂટ્યા છે અને પરીક્ષા રદ કરવી પડી છે. સરકાર અનેક વખત શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. લાખો યુવાનની તૈયારી, આશા અને અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવાઓ રજૂ કર્યા છે અને તેનાથી જ સરકાર ગુનેગાર સુધી પહોંચી શકી છે. એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓને પકડી મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લીધી નથી.



યુવરાજસિંહ સામેનો કેસ તાત્કાલિક પાછો ખેંચવા, સમગ્ર કાંડની પોલીસના બદલે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવા, તમામ પેપર લીક, ડમી ભરતી,બોગસ પ્રમાણપત્ર સહિતની બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવીને તટસ્થ ન્યાય આપવાની માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.



આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે કે સરકારે ખરેખર તો યુવરાજસિંહનુ સન્માન કરવું જોઈએ, તેના બદલે જેના કારણે કૌભાંડો પકડાયા તેની સામે ગુનો દાખલ કરીને આરોપી બનાવવાની રાજ્ય સરકારની કામગીરીના કારણે તેની નિષ્ઠા પર શંકા ઊભી થઈ રહી છે. સરકાર આવા કૌભાંડમાં સંકળાયેલાઓને બચાવવા તો નથી માગતી ને ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application