ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

  • August 23, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગતના તાતને સરકારનો સાથ

ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
.......................
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
.......................
અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે: કૃષિ મંત્રીશ્રી
.......................
રાજ્યના ૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત; ૨૭૨ ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો
.......................
SDRFના નિયમો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોને ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે
.......................

વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
 
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
 
મંત્રી શ્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. 
 
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે. જેમાં...
 
રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:
 
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
(૨)  વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ  નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
 
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રી તેમજ નાણાં મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નુકશાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકશાનીમાં ચોક્કસપણે રાહત મળશે.
 
અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application