રાજકોટ મનપામાં વિપક્ષનું પદ છીનવી લેવાયું, કોંગ્રેસે કહ્યું, "અમે બગીચે બેસી લોકોના પ્રશ્નો સાંભળશું"

  • April 26, 2023 03:59 PM 

મહાનગરપાલિકાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટર્મ પુરી થાય તે પૂર્વે વિપક્ષી નેતાનું પદ છીનવાયું

લોકશાહીને ટકાવવા આવતીકાલથી બગીચામાં વિરોધ પક્ષ કાર્યાલય શરૂ કરવાની જાહેરાત : બિલ્ડરોની ગેરરીતિ, ગેરકાયદે બાંધકામો, હોર્ડિંગ કૌભાંડ વિગેરે ભ્રષ્ટચાર ખુલ્લો પાડવા જતા પદ છીનવી લીધાનો ભાનુબેન સોરાણીનો આક્ષેપ: અગાઉ કોંગ્રેસના એક જ કોર્પોરેટર ચૂંટાયા હતા છતાં વિપક્ષી નેતા પદ-કાર્યાલય અપાયું હતું તે ભૂલી ગયા ? અશોક ડાંગર-મહેશ રાજપૂતનો સવાલ




રાજકોટ મહાનગરપાલિકાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ વિપક્ષી નેતાનું પદ તેમજ કાર્યાલય, કાર, મોબાઇલ ફોન સહિતની સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. શાસક પક્ષ ભાજપ દ્વારા ગઇકાલે લેવાયેલા આ નિર્ણયને પગલે આજે મહાનગરપાલિકાના વિપક્ષ કાર્યાલયમાં વિપક્ષી નેતા તેમજ કોંગી આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ એવી જાહેરાત કરી હતી વિપક્ષી નેતા પદ અને કાર્યાલય, કાર, ફોન વિગેરે ભલે છીનવી લેવાયા હોય પરંતુ લોકશાહી ટકાવવા માટે આવતીકાલથી દરરોજ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સંકુલમાં આવેલા ગાર્ડનમાં બેસીને વિરોધ કરવાનું ચાલુ રાખશે અને અરજદારો તેમને ત્યાં મળી શકશે.






વધુમાં પત્રકાર પરિષદને સંબોધતા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે આજે તેમણે કાર અને મોબાઇલ ફોન સહિતની સુવિધાઓ કચેરીમાં જમા કરાવી આપી છે તેમજ વિપક્ષ કાર્યાલય પણ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, સંભવતઃ સાંજ સુધીમાં ખાલી કરી આપીશું. તેમણે ઉમેર્યું હતું કે આવતીકાલથી તેઓ દરરોજ મહાપાલિકા કચેરીના સંકુલની વચ્ચે આવેલા ગાર્ડનમાં બેસશે અને વિરોધ કરવાનું ચાલુ રાખશે. વિપક્ષી નેતા પદ શા માટે છીનવાયું ? તેવા સવાલના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે બિલ્ડરો દ્વારા થતી ગેરરીતિઓ, ગેરકાયદે બાંધકામો મામલે કરેલી રજૂઆતો હોર્ડિંગ બોર્ડના કોન્ટ્રાકટમાં ચાલતા કૌભાંડ મામલે શહેરી





વિકાસ વિભાગ સુધી રજુઆત કરતા તેમનું વિપક્ષી નેતા પદ છીનવી લેવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું !

દરમિયાન પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અશોક ડાંગર અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતા પદ છીનવી લેવાની ઘટનાએ ભાજપની રીતસરની દાદાગીરી જ છે, જો હવે બહુમતી અને કોર્પોરેટરના સંખ્યા બળનો મુદ્દો આગળ ધરીને પદ છીનવી લેવાની પ્રક્રિયા કરાઇ છે તો જ્યારે વિપક્ષીનેતા પદ અપાયું ત્યારે પણ પર્યાપ્ત સંખ્યા બળ નહોતું જ ! છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પત્ર અને તેના આધારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખએ પાઠવેલા પત્રના આધારે વિપક્ષી નેતા પદ અપાયું હતું. અગાઉ ૧૯૯૫થી ૨૦૦૦ની ટર્મમાં કોંગ્રેસના ફક્ત એક જ કોર્પોરેટર લાધાભાઇ બોરસદીયા ચૂંટાયા હતા છતાં વિપક્ષીનેતા પદ અને કાર્યાલય અપાયું હતું તે વાત કેમ શાસકો ભૂલી ગયા ?! તેમ જણાવ્યું હતું.



ભાજપના સુશાસનમાં ભ્રષ્ટાચાર ભૂતકાળ છે; પદ ગયું એટલે વિપક્ષના જુઠા આક્ષેપ-મેયર

રાજકોટ મહાપાલિકામાં વિપક્ષી નેતા પદ છીનવાયા પછી આજે ભાનુબેન સોરાણીએ સંબોધેલી પત્રકાર પરિષદમાં પોતે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા જતા ભાજપના શાસકોએ પદ છીનવી લીધું હોવાનો આક્ષેપ કરતા આ મામલે મેયર ડો.પ્રદીપ ડવએ આજે સુરત ખાતેથી આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપના સુશાસનમાં ભ્રષ્ટાચાર ભૂતકાળ છે, પદ ગુમાવવું પડ્યું એટલે વ્યથિત થયેલા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી હવે જુઠા આક્ષેપો કરવા લાગ્યા છે તેમના દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે તેઓ ક્યારેય ભ્રષ્ટાચારના કોઇ મુદ્દે મારા સુધી ફરિયાદ લઈને આવ્યા નથી, હવે ભલે તેઓ વિપક્ષી નેતા નથી પરંતુ કોર્પોરેટર તરીકે પણ જો તેઓ ક્યાંય ખોટું થતું હોવાની ફરિયાદ લઈને આવશે તો હું તેમની ફરિયાદમાં તથ્ય હશે તો પૂરતું ધ્યાન આપીને પગલાં લઇશ.

-



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application