નાગેશ્વરના મંદિરે બઘડાટી: પૂજારી પરિવાર પર જીવલેણ હુમલો

  • January 10, 2023 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન કરવા માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાનું કહેતા મંદિરમાં રહેલા પુજારી તથા પરિવાર દ્વારા ના કહી, સમજાવવા જતાં ઉશ્કેરાયેલા દોઢ ડઝન જેટલા શખ્સો દ્વારા પૂજારી તથા તેમના પરિવારજનોને લાકડાના ધોકા વડે માર મારી, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન માટે બાવાજી પરિવારના પાંચ ભાઈઓ વિગેરેનો પ્રતિમાસ ક્રમશ: વારો આવે છે. જેમાં હાલ મંદિરના પૂજારી તરીકે કાર્યરત બાવાજી પરિવારના સદસ્યો ગઈકાલે સોમવારે બપોરે મંદિરમાં હતા અને અહીં દર્શનાર્થીઓની ભીડ હતી, ત્યારે બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યાના સમયે કેટલાક યાત્રાળુઓ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા હતા. તે દરમિયાન નાગેશ્વર વિસ્તારનો રહીશ રાયાભા કનુભા વાઘેર નામનો શખ્સ અહીં આવ્યો હતો અને આ સ્થળે રહેલા નયનભારથી હરીશભારથી ગોસ્વામીને કહેલ કે તેમના પૂજારી પિતા હરીશભારથીને ફોન લગાવી આપ.





આ ફોનમાં રાયાભા વાઘેરના જણાવાયા મુજબ મારા યાત્રાળુઓ લાઈનમાં ઊભા નહીં રહે અને વચ્ચેથી દર્શન કરાવો. જેથી ફોન પર હરીશભારથીએ આમ કરવાની ના પાડી હતી. જેના અનુસંધાને રાયાભાએ તેમને બિભત્સ ગાળો કાઢી ફોન કાપી નાખ્યો હતો.
બાદમાં અહીં આવેલા અન્ય એક આરોપી શૈલેષ કનુભા વાઘેર સહિત બંને શખ્સોએ મંદિરના પાછળના દરવાજાથી મોટરસાયકલ લઈ અને મંદિર પરિસરમાં પ્રવેશ કરી હરીશભારથીને બિભત્સ ગાળો કાઢી હતી. આ શખ્સોને મંદિરની મર્યાદા જાળવી ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ શખ્સોએ આ સ્થળે રહેલા પૂજારી પરિવારના નયનભારથી, તેમના પિતા હરીશભારથી તેમજ સાહેદ પ્રકાશભારથી ફુલભારથી, વિજયભારથી ફુલભારથી, પ્રવીણભારથી ફુલભારથી, યશભારથી વિજયભારથી, ધવલભારથી પ્રવીણભારથી, દીક્ષિતભારથી શૈલેષભારથી, રવિભારથી શૈલેષભારથી વિગેરે સમજાવવા જતા આ સ્થળે ધસી આવેલા રાયાભા કનુભા અને શૈલેષભા કનુભા સાથે રાણાભા કારૂભા વાઘેર, લધુભા રાયાભા વાઘેર, રાયાભા ઉર્ફે મુન્ના વાઘેર, કમલેશભા ભીખુભા વાઘેર, કમલેશભા સુકાભા વાઘેર, લધુભાનો ભાણેજ રાજવીર, રાધાભા વાઘેર, રામાભા ઘુઘાભા વાઘેર, ભીખુભા વાઘેર, અતુલભા વાઘેર, સિધ્ધરાજભા વાઘેર, સુકાભા ઘુઘાભા વાઘેર તથા તેમની સાથે આવેલા અન્ય ચારથી પાંચ જેટલા શખ્સો લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા.


આરોપી શખ્સોએ પૂજારી પરિવારના હરીશભારથી ગોસ્વામીને મારી નાખવાના ઇરાદાથી હુમલો કરતા તેમને તથા તેમના અન્ય પરિવારજનોને નાની મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દર્શનાર્થીઓનો વચ્ચેથી વારો લેવા બાબતે આરોપી શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, અનધિકૃતરીતે અપપ્રવેશ કરી અને પૂજારી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ હથિયારો વડે મંદિરમાં બે ખુરશી, ત્રણ લેમ્પ તથા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.


આ બનાવ અંગે મીઠાપુર પોલીસે મંદિરમાં સેવા-પૂજા કરતા નયનભારથી હરીશભારથી ગોસ્વામી (ઉ.વ. ૨૫) ની ફરિયાદ પરથી પાંચ જેટલા અજાણ્યા સહીત કુલ ૧૯ જેટલા સામે આઈ.પી.સી. કલમ ૩૦૭, સાથે કલમ ૩૫૪, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં નવ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પૂજારી પરિવાર સાથે મંદિર પરિસરમાં બનેલા બઘડાટીના આ બનાવે ઓખા મંડળમાં ભારે ચકચાર જગાવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application