ભારતવર્ષના જ નહીં સમગ્ર વિશ્વના શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ યથાર્થ કહ્યું છે કે,
"ઉંચો ધ્યેય પહેલી સિદ્ધિ,
અતૂટ શ્રદ્ધા બીજી સિદ્ધિ,
પ્રયત્નશીલ રહેવું ત્રીજી સિદ્ધિ,
શક્તિનો ઉપયોગ કરવો ચોથી સિદ્ધિ."
ઉપરોક્ત વિચારસરણી ધરાવનાર
જામનગર જિલ્લાની સરકારી શાળા પૈકી ઐતિહાસિક વરસો ધરાવતી, કન્યા કેળવણીના ભણતર, ગણતર અને ધડતરને પ્રોત્સાહન આપનારી અને રાજાશાહી વારસાની પ્રતીક સમી વિરાટ વટવૃક્ષ સમાન માતૃ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગર ખાતે તારીખ - 11/01/2025, શનિવારના રોજ શાળાનો 90મો સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉર્જાસભર ઉજવણી કરવામાં આવી હતી.
ભારતખંડના પ્રખર તત્વજ્ઞાની અને તત્વચિંતક સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતીના રોજ તા. 12, જાન્યુઆરી 1936ના રોજ નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજય સિંહજી વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. જામનગર શહેરનો પ્રાચીન વારસો અને વૈભવનું પ્રતીક સમાન કન્યા કેળવણી આપતી શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આદરણીય અજયસિંહજી જાડેજા સાહેબ, યુવરાજ નવાનગર સ્ટેટ(પૂર્વ ક્રિકેટર), અતિથિ વિશેષ તરીકે વિપુલભાઈ મહેતા સાહેબ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી- જામનગર, સદર શાળાના વય નિવૃત ગુરુજનો, શાળાના આચાર્યા, મા. અને ઉ. મા. શાળાનો સ્ટાફ પરિવાર અને મોરપીંછ સમાન દીકરીઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી.
શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવની શરૂઆત પ્રાર્થના અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે અતિથીઓનું મહામુલુ સ્વાગત સાલ, પુષ્પગુચ્છ, પુસ્તક દ્વારા કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો ઇતિહાસ અને સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય, શિવ તાંડવ નૃત્ય, હેલ્લારો ગીત ડાન્સ, સ્વ રચિત કાવ્ય ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવેલ હતું.
શાળાના આચાર્યા દ્વારા શાળાની આગાવી સિદ્ધિ અને આછેરી માહિતી પ્રાસંગિક ઉદબોધન દ્વારા રજુ કરવામાં આવેલ, જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ સાહેબ મહેતા દ્વારા શિક્ષણની ચિંતનાત્મક વાત રજુ કરવામાં આવેલ સાથોસાથ જામનગર યુવરાજ અજયસિંહજી જાડેજા સાહેબ દ્વારા વિદ્યાર્થીનીઓને શિક્ષણનું મહત્વ અને શાળાનું મહત્વ સમજાવી આગળ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી પ્રેરણા આપી હતી. અને વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દી ઉત્તમ બનાવી સફળ થાય અને પોતાના માતાપિતા, કુટુંબ,સમાજ અને શાળા તેમજ જામનગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ધોરણ 9 થી 12માં
સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરનારને વિવિધ ઇનામો,તેમજ ખેલ મહાકુંભ અને વિવિધ રમતગમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ નંબર પ્રાપ્ત કરનાર, કલા મહાકુંભ, કલા મહોત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, શાળાકીય વિવિધ વકૃત્વ, નિબંધ, સંગીત સહ ગાયન, સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરી ઉતકૃષ્ટ દેખાવ કરનાર ઉપરાંત શાળાની વિવિધ સમિતિઓનું ઇનામો આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ અંતે શાળાની સર્વે દીકરીને પાઉભાજીનું ભોજન પીરસવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળા સર્વે સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીનીઓ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.