સાંઢીયા પુલથી માધાપર ચોકડી તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાતા દેકારો

  • May 27, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગાંધી સોસાયટીના બંને તરફના રસ્તાઓ આડે પતરા નાખી અને માટીના ઢગલા કરી રસ્તો બંધ કરી દેવાયો




જમીન સંપાદનને લગતી કોઈ પ્રકારની કાર્યવાહી કર્યા વગર અને જેમની જમીન કપાતમાં આવે છે તેવા લોકોને એક નવા પૈસાનું પણ વળતર ચૂકવ્યા વગર ગાંધી સોસાયટીની જમીન પાસે દિવાલ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. આ સોસાયટીમાં આવવા જવા માટે બંને તરફના રસ્તે લોખંડના મોટા પતરા નાખી માટીના ઢગલા કરી દેવાતા ગાંધી સોસાયટીના લોકો રોષે ભરાયા છે.




હજુ તો થોડા દિવસ પહેલા જ માધાપર ચોકડી ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લી કરવામાં આવી છે. પરંતુ આજે એકાએક સાંઢિયા પુલથી માધાપર તરફ જવાના રસ્તે આઇઓસી નજીકથી રસ્તો બંધ કરી દેવાયો છે. રસ્તા માટે બેરીકેટ મૂકી દેવામાં આવી છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ મૂકી દેવાયો છે. આ રસ્તો બંધ થવાના કારણે રાજકોટથી જામનગર તરફ જવા માગતા લોકોએ આઈઓસી નજીકથી 150 ફૂટ રીંગ રોડ જવાનું થાય છે અથવા તો ઇન્ટર્નલ રસ્તાઓનો ઉપયોગ કરવાનો થાય છે. આ પરિસ્થિતિના કારણે ત્રણથી ચાર કિલોમીટરનું લાંબુ ચક્ર વાહનચાલકોને કાપવું પડે છે.




ગાંધી સોસાયટીના રહીશ મોઈઝભાઈ નજમુદ્દીનભાઈ ભારમલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જમીન સંપાદનમાં આપી નથી અમને કોઈ વળતર ચુકવાયું નથી. અમારી જમીન સંપાદન માટે કોઈ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. આમ છતાં અમને વિશ્વાસમાં લીધા વગર આજે સવારથી લોખંડના પતરા નાખીને સોસાયટીમાં આવવા જવાના બંને તરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો હાલીચાલીને પણ ન જઈ શકે તે માટે ધૂળના ઢગલા કરી દેવાયા છે. અત્યારે અમારે અમારી સોસાયટીમાં આવવું જવું હોય તો લાંબુ ચક્કર કાપવું પડે છે.




ગાંધી સોસાયટીમાં 100 જેટલા બ્લોક છે અને 28 પ્લોટ છે. માધાપર પુલના કામ માટે પતરા નાખી દેવાતા અને માટીના ઢગલા કરી દેવાતા માત્ર આ સોસાયટીના પરિવારો જ નહીં પરંતુ હજારો વાહન ચાલકો ફરી મુશ્કેલીમાં આવી ગયા છે.




એક પૈસાનું વળતર ચૂકવ્યા વગર અમારી જમીન પડાવી લેવામાં આવી છે

ગાંધી સોસાયટીના રહીશોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તારીખ 24 એપ્રિલના રોજ પ્રાંત અધિકારી સંદીપ વર્મા સાથે અમારે બેઠક થઈ હતી. બ્રીજના પ્રોજેક્ટ માટે જમીન આપવાની અમારી તૈયારી છે પરંતુ વળતર સહિતની બાબતો અંગે કોઈ જવાબ આપતું નથી અમને અમારી જમીનની માલિકીના આધાર પુરાવા અને દસ્તાવેજી કાગળો રજૂ કરવા માટે જણાવ્યું હતું. તે અમે રજૂ કરી દીધા છે. પરંતુ આમ છતાં હવે અમને કોઈ જવાબ પણ આપતું નથી.



પોલીસ બંદોબસ્ત મૂકી દીધો: પરંતુ જાહેરનામું બહાર ન પડાયું

સાંઢીયા પુલથી માધાપર ચોકડી તરફ જતા બજરંગ વાડી નજીક આઈઓસી પાસે પોલીસ બંદોબસ્ત અને બેરીકેટ મૂકી દેવાયા છે. જ્યારે કોઈ રસ્તો બંધ કરવાનો થાય ત્યારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં પોલીસ બંદોબસ્ત મૂકીને વાત પૂરી કરવામાં આવી છે. જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નથી.

પોલીસ તરફથી સત્તાવાર જાહેરનામું બહાર ન પડતા બંદોબસ્ત માટે મુકાયેલ પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર માથાજીક થતી જોવા મળી હતી. બીજી બાજુ જો આગોતરી જાણ કરવામાં આવી હોત અને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોત તો સંખ્યાબંધ વાહન ચાલકો આ રસ્તે થી નીકળવાના બદલે બીજો રસ્તો પસંદ કર્યો હોત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application