કોલકાતાએ ગુજરાત ટાઈટન્સના હાથ માંથી જીત છીનવી, રિંકુ સિંહે પાંચ સિક્સર ફટકારી બાજી પલટાવી

  • April 09, 2023 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને ત્રણ વિકેટે હરાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં આ ટીમને જીતવા માટે 29 રનની જરૂર હતી અને રિંકુ સિંહે સતત પાંચ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 21 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
​​​​​​​

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી વિજય શંકરે અન્નમ 63, સાઈ સુદર્શને 53 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સુનિલ નારાયણે ત્રણ અને સુયશ શર્માએ એક વિકેટ ઝડપી હતી.


જવાબમાં કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 28 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વેંકટેશ અય્યર અને નીતીશ રાણાએ સદી ફટકારીને પોતાની ટીમને મેચમાં વાપસી અપાવી હતી. વેંકટેશ અય્યર 83 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રાણાએ 45 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.


પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ધીમી રહી હતી. 18 ઓવર સુધી આ ટીમનો સ્કોર ચાર વિકેટે 159 રન હતો. આ પછી વિજય શંકરની ઇનિંગ્સના કારણે ગુજરાતે બે ઓવરમાં 45 રન બનાવીને કોલકાતા સામે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શંકર 24 બોલમાં 63 રન બનાવીને અણનમ રહ્યો હતો. જવાબમાં કોલકાતાએ 28 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે આ ટીમ આસાનીથી મેચ હારી જશે. આ પછી વેંકટેશ અય્યર અને નીતિશ રાણાએ સદીની ભાગીદારી કરીને પોતાની ટીમને મેચમાં વાપસી અપાવી હતી.

કોલકાતાએ 15 ઓવરમાં ત્રણ વિકેટે 149 રન બનાવ્યા હતા. વેંકટેશ 79 રન પર રમી રહ્યો હતો અને કોલકાતાને જીતવા માટે 30 બોલમાં 56 રનની જરૂર હતી. જોકે, આ પછી મેચમાં પલટો આવ્યો હતો. અલઝારી જોસેફે વેંકટેશને 83 રને આઉટ કર્યો અને પછીની ઓવરમાં રાશિદ ખાને હેટ્રિક લીધી. તેણે આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરને આઉટ કરીને મેચને પલટી નાખી હતી. 

19 ઓવર પછી કોલકાતાનો સ્કોર સાત વિકેટે 176 રન હતો. રિંકુ સિંહ 16 બોલમાં 18 અને ઉમેશ યાદવે પાંચ બોલમાં ચાર રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ગુજરાતની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ઉમેશ યાદવે યશ દયાલની છેલ્લી ઓવરના પહેલા બોલમાં એક રન લીધો હતો અને બાકીના પાંચ બોલમાં રિંકુ સિંહે પાંચ સિક્સર ફટકારી હતી. આ સાથે કોલકાતાની ટીમે ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application