ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર થતા ઇઝરાયેલ થયું નારાજ

  • March 26, 2024 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) એ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યા પછી ઇઝરાયેલે તેના પ્રતિનિધિમંડળની અમેરિકાની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી છે. ઈઝરાયલના વડાપ્રધાનના કાર્યાલયે કહ્યું છે કે બેન્જામિન નેતન્યાહુએ આ નિર્ણય યુએનએસસીમાં અમેરિકાના વલણમાં બદલાવ બાદ લીધો છે. તેણે પહેલેથી જ ધમકી આપી હતી કે જો અમેરિકાના વલણમાં બદલાવ આવશે તો પ્રવાસ રદ કરવામાં આવશે. ઈઝરાયેલના ગુસ્સાનું કારણ આ ઠરાવ પર વોટિંગમાં અમેરિકાનો નોન-વીટો છે. સોમવારે યોજાયેલા મતદાનમાં અમેરિકાએ ભાગ લીધો ન હતો. આ પ્રસ્તાવ ચીન દ્વારા લાવવામાં આવ્યો હતો. જોકે, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવો એ અમેરિકાની નીતિમાં ફેરફાર નથી.

અમેરિકા થોડા સમયથી ઇઝરાયેલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરી રહ્યું હતું પણ નેતન્યાહુએ મચક ન આપતા અમેરિકાએ તેને પોતાનું સ્થાન બતાવી દીધું છે. અમેરિકાના ટેકા વગર ઇઝરાયેલ કશું જ કરી શકે તેમ નથી. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે. જોકે મિત્ર અમેરિકાએ પ્રસ્તાવ માટે મતદાન ન કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ નારાજ થયા છે. આ પ્રસ્તાવમાં સાત ઓક્ટોબર 2023માં દક્ષિણ ઈઝરાયલમાં હમાસ દ્વારા હુમલા દરમિયાન બંધક બનેલા તમામ લોકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

યુએનએસસીના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'સુરક્ષા પરિષદે ગાઝામાં લાંબા સમયથી રાહ જોવાતા પ્રસ્તાવને મંજૂરી આપી હતી જેમાં યુદ્ધવિરામ અને તમામ બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવનો અમલ થવો જોઈએ.'


અગાઉ અમેરિકા ગાઝામાં બંધક બનાવાયેલા લોકોને છોડવાની સતત માંગ કરતું રહ્યું છે, જોકે તેણે યુએનએસસી દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં બંધકોને છોડવાની માંગ કરવાના મુદ્દે મતદાન કર્યું નહોતું. અમેરિકાએ અગાઉ પણ યુએનએસસીમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને રશિયા અને ચીને વીટો કરી દીધો હતો. તે પ્રસ્તાવમાં તાત્કાલિક અને સતત યુદ્ધવિરામની માંગણી કરે છે.


અમેરિકાએ ચેતવણી આપી છે કે, સોમવારને પસાર કરાયેલો પ્રસ્તાવ અમેરિકા, ઈજિપ્ત, કતાર વચ્ચે ચાલી રહેલી વાતચીતને પ્રભાવિત કરી શકે છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી છેલ્લા ઘણા દિવસથી મિડલ ઈસ્ટ દેશોની મુલાકાત કરી રહ્યા છે અને ગાઝામાં બંધકોને છોડી મુકવા મામલે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે યુદ્ધ વિરામનું પણ સમર્થન કર્યું છે. હવે યુએનએસસી દ્વારા પસાર કરાયેલ પ્રસ્તાવ ક્યારે લાગુ થાય છે, તે જોવા જેવી બાબત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application