ગોધરાકાંડનો બદલો લેવા ISISનું ખતરનાક કાવતરું, ગુજરાતના આ શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન

  • January 08, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી પોલીસ દ્વારા પકડાયેલા આઇએસઆઇએસના આતંકી પાસેથી ઘણા મોટા ખુલાસા થયા છે. ગુજરાતના ગોધરામાં થયેલા રમખાણોનો બદલો લેવા માટે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ રાજ્યભરમાં સીરીયલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી છે. તાજેતરમાં પકડાયેલા આઇએસઆઇએસ આતંકવાદી શાહનવાઝ આલમે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે અમદાવાદ, ગાંધી નગર, સુરત, વડોદરા સહિત ગુજરાતના અનેક મોટા શહેરો આતંકવાદીઓના નિશાના પર હતા.


આ ઉપરાંતન શાહનવાઝ આલમે દિલ્હી પોલીસને જણાવ્યું કે તેમનું સંગઠન ગુજરાતના બીજેપી હેડક્વાર્ટર, આરએસએસ હેડક્વાર્ટર, વિશ્વ હિંદુ પરિષદ હેડક્વાર્ટર, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, યુનિવર્સિટીઓ, મંદિર, મસ્જિદ, ચર્ચ, રેલ્વે સ્ટેશનો, ભીડવાળા બજારો અને રાજ્યની અગ્રણી વ્યક્તિઓના ઘરોને નિશાન બનાવીને વિસ્ફોટો કરવાની યોજના બનાવી રહ્યું હતું. આ માટે આતંકવાદીઓએ આ જગ્યાઓની શોધખોળ કરી અને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર, આતંકીઓ ભાડાની બાઇક અને સ્કૂટર પર આખા વિસ્તારની તપાસ કરી હતી. બોહરા મસ્જિદ, દરગાહ, અમદાવાદની મઝાર, સાબરમતી આશ્રમ સહિત અનેક સ્થળોએ ફોટોગ્રાફ અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.


શાહનવાઝ આલમના મોબાઈલ ફોનમાંથી બોમ્બ બનાવવાની ડઝનબંધ તસવીરો મળી આવી છે. આઇએસઆઇએસ પુણે મોડ્યુલનો ૩૧ વર્ષીય આતંકવાદી શાહનવાઝ આલમ હજારીબાગનો રહેવાસી છે. તેના કોડ નેમ અબ્દુલ્લા, ઈબ્રાહિમ અને પ્રિન્સ છે. તેણે એનઆઈટી નાગપુરમાંથી બી-ટેકનો અભ્યાસ કર્યો છે. શાહનવાઝના જણાવ્યા મુજબ, તેની પત્ની હિંદુ હતી જેને તેણે ઈસ્લામ કબૂલ કરાવ્યું હતું. બંને એએમયુમાં મળ્યા હતા અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ ૭ થી ૮ ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.


શાહનવાઝના ગુરુ અનબર અવલાકી છે. અમેરિકી સેનાના હુમલામાં અંબાર અલ કાયદાનો ટોચનો આતંકવાદી માર્યો ગયો. તેનાથી પ્રભાવિત થઈને, તેને આતંકવાદી બનવાનું ઝનૂન લાગ્યું અને પછી તે ઓનલાઈન સાઇટ્સ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઇએસઆઇએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઇએસઆઇએસના ત્રણ આતંકી શાહનવાઝ આલમ, મોહમ્મદ રિઝવાન અશરફ અને મોહમ્મદ અરશદ બરશીની ધરપકડ કરી હતી. શાહનવાઝ આલમની સાથે પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલો ઈમરાન અને યાનુસ સાકી પણ ગુજરાત રેકીમાં સામેલ હતા.



અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં આ જગ્યાઓ પર કરવાના હતા બ્લાસ્ટ

આતંકવાદી શાહનવાઝ આલમે જણાવ્યું કે તેના હેન્ડલર અબુ સુલેમાનની સૂચના પર તેના ફરાર સહયોગી રિઝવાન અલી અને ઈમરાન સાથે તેણે અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનું નક્કી કર્યું હતું. કારણ કે ગુજરાત પીએમનું હોમ સ્ટેટ છે અને ગોધરા રમખાણોનો બદલો લેવા આઇએસઆઇએસએ આ પ્લાન તૈયાર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૨૩માં આતંકવાદીઓ બે દિવસ માટે ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, વીઆઈપી અને વીવીઆઈપી માર્ગો, રાજકારણીઓના ઘરો, ભીડભાડવાળા બજારો, બોહરા સમાજની મસ્જિદ, દરગાહ, અમદાવાદની કબર, સાબરમતી આશ્રમ પર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ પછી બીજા દિવસે સવારે ગાંધીનગરમાં આતંકવાદીઓએ આરએસએસ કાર્યાલય, વીએચપી કાર્યાલય, ભાજપ કાર્યાલય, ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા સેશન્સ કોર્ટની રેકી કરી હતી. આ તમામ મહત્વના સ્થળોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી હતી. આ પછી આતંકવાદીઓ વડોદરા પહોચી રેલ્વે સ્ટેશન પાસેની હોસ્ટેલમાં ભાડે રહ્યા હતા. બીજે દિવસે, ભાડાના સ્કૂટરનો ઉપયોગ કરીને, તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ, રેલ્વે સ્ટેશનની રેકી કરી વીડિયો અને ફોટો લીધા હતા. સુરતમાં પણ સમાન રીતે પ્રખ્યાત અને ભીડભાડ વાળી જગ્યાઓની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ પછી આતંકવાદીઓ મુંબઈ પાછા ફર્યા અને પુણે ગયા અને વિવિધ સ્થળોના ફોટોગ્રાફ્સ અને વીડિયોની ફાઈલ તૈયાર કરીને અબુ સુલેમાનને મોકલી આપી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application