બેંગલુરુમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી મેચનો મુકાબલો, જાણો કેવું રહેશે હવામાન

  • January 17, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બેંગલુરુમાં રમાવાની છે. ટીમ ઇન્ડિયાનું પલડુ ભારે છે. જોકે બેંગલુરુમાં યોજાનારી મેચ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે સજજ થઇ છે. ત્યારે જો બેંગલુરુના હવામાન વિશે વાત કરીએ તો બુધવારે વરસાદની કોઈ શક્યતા નથી. તેથી મેચ સમયસર જ શરૂ થશે.


હવામાન વિભાગના અહેવાલને ધ્યાનમાં રાખીએ તો બેંગલુરુમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન છે. વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. સાંજના સમયે આકાશમાં વાદળો દેખાઈ શકે છે. પરંતુ તેનાથી મેચ પર કોઈ અસર નહીં થાય. જો તાપમાન વિશે વાત કરવામાં આવે તો તે 20 થી 27 ડિગ્રી વચ્ચે રહી શકે છે. અહીં ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને થોડી રાહત મળશે. આ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં અને બીજી મેચ ઈન્દોરમાં રમાઈ હતી. અહીં ખેલાડીઓને ઠંડીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બેંગલુરુમાં હળવી ઠંડી રહેવાની છે. આથી, મોહાલી અને ઇન્દોરની સાપેક્ષમાં ખેલાડીઓને અહીં રાહત મળશે.


આ સાથે જ મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા ટી20 સીરીઝની ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આ મેચમાં સંજુ સેમસન અને કુલદીપ યાદવને તક મળી શકે છે. સેમસનને શ્રેણીની પ્રથમ બે મેચમાં તક આપવામાં આવી ન હતી. ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. એટલે હવે બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તકને પૂરેપૂરો અવકાશ છે. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં અવેશ ખાનને પણ સામેલ કરી શકે છે.


તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 7 ટી20 મેચ રમી છે. જેમાં ત્રણ મેચ જીતી છે જયારે કે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત વરસાદના કારણે એક મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ત્યારે હવે આજની મેચ પર ક્રિકેટ રસિયાઓની મીટ મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application