કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ.૩કરોડ ૮૮ લાખના ખર્ચે નિર્માણ પામેલ ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું
અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિત
લોકોને તેમના સ્વપ્નના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળવા બદલ મંત્રી અને સાંસદએ શુભેચ્છાઓ પાઠવી
ભારતને વિકસિત બનાવવા માટે લોકોનું સ્વાસ્થ્ય સરકારની પ્રાથમિકતા : મંત્રી
નવા બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એક્સરે, સ્પેશિયલ રૂમ, લેબોરેટરી સહિતની તમામ અત્યાધુનીક સાધનો સાથેની સુવિધાઓ ઉપલબ્ધ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ પણ સહભાગી થયા હતા. તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગને લોકો માટે ખુલ્લું મૂકી મંત્રી અને સાંસદએ સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ વિષે માહિતી મેળવી જરૂરીયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવા અનુરોધ કર્યો હતો.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે. આયુષ્માન કાર્ડ થકી જરૂરિયાતમંદોને રૂ.૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આ સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ થકી લોકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે. અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આજુબાજુના ૪૦ જેટલા ગામડાઓના અંદાજે ૪૫હજાર જેટલા લોકોને નજીકમાં જ આરોગ્યની સવલત મળી રહેશે.
ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને લક્ષ્યમાં રાખી ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. અને તેનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે. ધુતારપુર આરોગ્ય કેન્દ્રની ટીમની સારી કામગીરી બદલ મંત્રીએ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.
સામુહિક આરોગ્ય કેન્દ્રની વિશેષતાઓ
ધુતારપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર કુલ ૩૦ બેડની ક્ષમતા ધરાવે છે, ભારત સરકાર તરફથી આ સામુહિક આરોગ્ય કેન્દ્રને “લક્ષ્ય નેશનલ લેવલ”નો એર્વોડ તા.૧૪-૦૨-૨૦૨૨ ના રોજ મળેલ છે. આ કેન્દ્રને રાજકોટ રીજીયનનુ સૌથી પહેલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકેનું બહુમન મળેલ છે. અંહી દરેક પ્રકારના બ્લડ રીપોર્ટ થશે તેમજ આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. બી.પી. અને ડાયાબીટીસ જેવા રોગોની સારવાર પણ અહી ઉપલબ્ધ છે.
રૂ.૩ કરોડ ૮૮ લાખના ખર્ચે બે માળનું સામુહિક આરોગ્ય કેન્દ્ર ૧૫૯૩ચો.મી. વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. કેન્દ્રમાં કુલ ૩૦ બેડ, રિસેપ્શન, ૩ જનરલ ઓપીડી રૂમ, એક્સરે રૂમ, સોનોગ્રાફી રૂમ, ઇંજેક્શન રૂમ, ડ્રેસિંગ રૂમ, લેબર રૂમ, સ્ક્રબ રૂમ, લેબોરેટરી, ટોઇલેટ બ્લોક, ઓપરેશન થિયેટર, મેલ અને ફીમેલ વોર્ડ રૂમ, પોસ્ટ ઓપરેશન રૂમ, આઇસોલેશન રૂમ, સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમનીં અદ્યતન સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, સામાજિક આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, સરપંચ નીતાબેન ગેલાણ, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો, અધિકારીઓ, ડોક્ટરો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech