ભાવનગર જિલ્લામાં એક વર્ષમાં ખાણ ખનીજની રૂ. ૮૪૫૮ લાખની મહેસુલી આવક

  • April 04, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાજ્યમાં લીઝોની સંખ્યાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો ૧૭ મા ક્રમે હોવા છતાં ખાણ ખનિજની મહેસુલી આવકની દ્રષ્ટીએ ૭ મા ક્રમે

ભાવનગર જીલ્લો ખનીજ સભર જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં લિગ્નાઇટ, લાઇમસ્ટોન, રેતી, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ, ડોલોમાઇટ, મોરમ વગેરે ખનીજો મળી આવે છે. તારીખ ૩૧  માર્ચ ૨૦૨૩ ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષના હિસાબ અંતે ખાણ ખનીજ વિભાગના કુલ મહેસૂલી આવક રૂપિયા ૮૪૫૮ લાખને પાર થયેલ છે.

જે અંગે ભૂસ્તરશાસ્ત્રી મહર્ષિ વ્યાસ જણાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ મહેસુલી આવકની દ્રષ્ટિએ ખૂબ સારી રહેલ છે. જિલ્લામાં વિવિધ પ્રકારના ખનિજોની લીઝો આવેલ છે. ગત નાણાકીય વર્ષની મહેસૂલી આવકની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં વધારો નોંધાયેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લીઝોની સંખ્યાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો ૧૭ મા ક્રમે હોવા છતાં  ખાણ ખનિજની મહેસુલી આવકની દ્રષ્ટીએ ૭ મા ક્રમે આવેલ છે. જિલ્લામાં રેતી, માટી, મોરમ જેવા છૂટક ગૌણ ખનિજો ની આવકમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે ૧૬ ટકા જેટલો વધારો નોંધાયો છે.  બ્લેકટ્રેપ, બિલ્ડીંગ લાઇમસ્ટોન, બિલ્ડીંગ સ્ટોન જેવા ખનીજો ની મહેસૂલી આવકમાં ગત વર્ષની સરખામણીએ ૨૩.૭ ટકાનો વધારો નોંધાયેલ છે.

ઔદ્યોગિક ખનીજો જેવા કે બેંટોનાઈટ ડોલોમાઈટ જેવા ખનીજો ની મહેસૂલી આવકમાં ૧૧.૪૯ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ખનીજની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે જેનું કારણ નાના લીઝ હોલ્ડરો અને જિલ્લા વહીવટી તંત્રના ખૂબ સારા સંકલન અને જિલ્લામાં ખુલેલા વિકાસના કામોના કારણે મહેસૂલી આવકમાં વધારો નોંધાયો છે. તેઓને ખાણ ખનીજ કમિશ્નર કચેરી તરફથી સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. 

વધુમાં ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અટકાવવા કુલ ૨૫૧ કેસો કરવામાં આવેલ હતા જેનાથી રૂપિયા ૨૬૬ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ હતી.  જેની સામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨ માં ૨૫૭ કેસો પકડી ૪૩૦ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે. જે વસુલાતમાં ૬૧ ટકાનો વધારો સૂચવે છે. કેસોની સંખ્યા ખાસ વધેલ નથી પરંતુ દંડકીય વસુલાત ખૂબ કડક હાથે કરવામાં આવેલ છે.  જેમાં જિલ્લા વહીવટીતંત્ર જેમકે ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ,  મામલતદારઓ,  પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સતત ખનીજચોરી અંકુશમાં લાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. ગેરકાયદેસર કૃત્ય કરતાં લોકો પાસેથી સમય મર્યાદામાં દંડકીય વસૂલાત થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

ખનીજ ચોરી અટકાવવા કાર્યરત અધિકારી-કર્મચારીઓને સામે કોઈ પરીબળો દ્વારા વિપરીત પરિસ્થિતિ ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરફથી સતત મોનીટરીંગ રાખી ખાસ તકેદારી રાખવામાં આવેલ છે.

ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ માં કુલ ૨૭ લીઝો ઈ-ઓકશન માટે મુકવામાં આવેલ હતી. ગત વર્ષોની અને ચાલુ વર્ષની ઓકશન થયેલી તમામ લીઝોમાં એન્વાર્યમેન્ટ ક્લીયરન્સ મળ્યેથી ખાણકામ ચાલુ થશે અને આવી તમામ લીઝો ચાલુ થયેથી આગામી સમયમાં ભાવનગર જિલ્લો ૧૦,૦૦૦ લાખની ખાણ ખનિજની મહેસુલી આવક કરતો જિલ્લો બનશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application